સુરતની તાપી નદીમાં સપાટી વધતાં ફ્લડ ગેટ બંધ થતા કાદરશાની નાળમાં પાણી ભરાતા આશ્ચર્ય

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
સુરતની તાપી નદીમાં સપાટી વધતાં ફ્લડ ગેટ બંધ થતા કાદરશાની નાળમાં પાણી ભરાતા આશ્ચર્ય 1 - image


- સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે પાણી ભરાયા ન હતા

- સ્ટ્રોમ ડ્રેઈનમાં ગટરના ગેરકાયદે જોડાણ કરી દેવાયા હોવાથી પાણી બેક માર્યાની ફરિયાદ : મેટ્રોની કામગીરી સાથે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી

સુરત,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર

સુરતમાં થોડા સમય પહેલાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા પરંતુ કાદરશાની નાળમાં પહેલી વાર પાણી ભરાયા ન હતા. પરંતુ આજે શહેરમાં વરસાદ નથી અને તાપીની સપાટી વધતા ફ્લડ ગેટ બંધ કરાતા કાદરશાની નાળમાં ગટરના પાણી બેક માર્યા હતા અને આખા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. વરસાદ વગર કાદરશાની નાળમાં પાણીનો ભરાવો થતાં મેઈન ડ્રેઈનેજમાં ગટરના ગેરકાયદે જોડાણ કરી દેવાયા હોવાથી પાણી બેક માર્યાની ફરિયાદ ઉઠી રહી છે. 

સુરતમાંથી પસાર થતી તાપી નદી પર બનેલા ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી પર બનેલા પાંચ ફ્લડ ગેટ બંધ કરી દેવાયા છે. આ પાંચ ફ્લડ ગેટમાં મક્કાઈપુલ ખાતે આવેલો ફ્લડ ગેટ પણ બંધ કરવામાં આવ્યો છે. મક્કાઈપુલ ખાતે ફ્લડ ગેટમાંથી શહેરના કાદરશાની નાળ સહિત અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે તેનો નિકાલ તાપી નદીમાં થાય છે. આ ફ્લડ ગેટ બંધ કરાયો છે અને શહેરમાં વરસાદ પડ્યો નથી તેમ છતાં ગટરના પાણી બેક માર્યા છે. 

કાદરશાની નાળ સહિતના વિસ્તારમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને બેરીકેટ કરવામા આવ્યા છે તથા રસ્તા પણ ખાબડ ખૂબડ છે. આવી હાલમાં પાણીનો ભરાવો થતાં લોકોની હાલાકી વધી રહી છે. આ પાણી ગટરનું હોવાથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. લોકો ફરિયાદ કરે છે કે ભારે વરસાદ હતો ત્યારે વરસાદી પાણી ભરાયા નથી જ્યારે ફ્લડ ગેટ બંધ કરાતા ગટરના પાણી બેક માર્યા છે તેથી વરસાદી ગટરમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન મોટી સંખ્યામાં કરવામા આવ્યા છે તેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે.


Google NewsGoogle News