સુરતના કતારગામ અને સરથાણા વિસ્તારમાં બે સ્થળેથી દાગીના અને રોકડ મળી રૂ.1.86 લાખની ચોરી

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
સુરતના કતારગામ અને સરથાણા વિસ્તારમાં બે સ્થળેથી દાગીના અને રોકડ મળી રૂ.1.86 લાખની ચોરી 1 - image


- કતારગામના વેપારી પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા ત્યારે તેમના બંધ ઘરમાંથી તસ્કરો રૂ.96 હજારની મત્તાની ચોરી કરી કબાટ ફરી લોક કરી ફરાર થઈ ગયા 

- લસકાણા ડાયમંડનગરમાં ફર્નિચરની દુકાનની પાછળ શેડના પતરા હટાવી પ્રવેશી દુકાનની ઓફિસનો કાચનો દરવાજો તોડી રોકડા રૂ.90 હજાર ચોરનાર ત્રણ સીસીટીવી કેમેરામાં કેદ થયા 

સુરત,તા.25 નવેમ્બર 2023,શનિવાર 

સુરતના કતારગામ અને સરથાણા વિસ્તારમાં બે સ્થળેથી દાગીના અને રોકડ મળી રૂ.1.86 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. કતારગામના વેપારી પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા ત્યારે તેમના બંધ ઘરમાંથી તસ્કરો રૂ.96 હજારની મત્તાની ચોરી કરી કબાટ ફરી લોક કરી ફરાર થઈ ગયા હતા. જયારે લસકાણા ડાયમંડનગરમાં ફર્નિચરની દુકાનની પાછળ શેડના પતરા હટાવી પ્રવેશી દુકાનની ઓફિસનો કાચનો દરવાજો તોડી રોકડા રૂ.90 હજાર ચોરનાર ત્રણ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ ફુલપાડા રોડ સ્મૃતિ સોસાયટી ઘર નં.બી/143 માં રહેતા 38 વર્ષીય વેપારી ઉમેશભાઇ ચુનીલાલ પ્રજાપતિ ગત 19 મી ના રોજ પત્ની નીલમબેન અને બે બાળકો સાથે ગોવા ફરવા ગયા હતા. જયારે તેમના માતા ચંદનબેન ઘરે એકલા જ હતા. તેમના માતા ગત ગુરુવારે સવારે જમાઈ ભુપેન્દ્રભાઈ પ્રજાપતિના ઘરે ગયા હતા અને રાત્રે ત્યાં જ રોકાઈ ગયા હતા. ગત સવારે જમાઈ તેમને ઘરે મુકવા આવ્યા ત્યારે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હોય તેમણે ગત મળસ્કે જ ટ્રેનમાં સુરત આવવા નીકળેલા ઉમેશભાઈને ફોન કરી જાણ કરી હતી. સાંજે સુરત પહોંચેલા ઉમેશભાઈએ ઘરે આવી જોયું તો પહેલા માળે તેમની માતાના રૂમમાં કબાટનો દરવાજો અને તિજોરી તૂટેલા હતા. ડાઈનીંગ ટેબલ પર બીજા માળના બેડરૂમના કબાટની ચાવીઓ હોય ઉપર જઈ કબાટ ખોલ્યા તો તેમાં દાગીના નહોતા. તસ્કરો ઘરમાંથી સોનાચાંદીના દાગીના અને દીકરાની ફી ભરવા રાખેલા રોકડા રૂ.18 હજાર મળી કુલ રૂ.96 હજારની મત્તા ચોરી ગયાની ફરિયાદ બાદમાં ગતરાત્રે ઉમેશભાઈએ કતારગામ પોલીસ મથકમાં નોંધાવી હતી.

ચોરીની બીજી ઘટનામાં મૂળ બનાસકાંઠા થરાદ કાસવી ગામના વતની અને સુરતમાં પાસોદરા ગામ વિક્ટોરીયા રેસિડન્સી ઈ-502 માં રહેતા 39 વર્ષીય પન્નાભાઈ રાવતાજી પટેલ લસકાણા ડાયમંડનગર જે.બી.ડાયમંડ સ્કુલના ગેટની સામે ડેકોવેલ ફર્નીચર નામની દુકાન ભાગીદારીમાં ચલાવે છે. તેમના ભાગીદાર કમલેશભાઈ ડોબરીયા હાલ વતન ગયા હોય ગત ગુરુવારે વેપાર કરી દુકાન બંધ કરી તે ઘરે ગયા હતા. ગત સવારે 8.30 વાગ્યે સેલ્સમેન પરેશ નાકરાણી દુકાનનું શટર ખોલી અંદર ગયો તો કાચની ઓફિસનો દરવાજો તૂટેલો હતો. આથી તેણે પન્નાભાઈને જાણ કરી હતી. પન્નાભાઈએ દુકાને પહોંચી તપાસ કરતા ઓફિસમાં ટેબલના ખાના તૂટેલા હતા અને તેમાં મુકેલા વકરાના રોકડા રૂ.90 હજારની ચોરી થઈ હતી. દુકાનની પાછળ શેડના પતરા હટાવી રાત્રે 1.30 વાગ્યે પ્રવેશી દુકાનની ઓફિસનો કાચનો દરવાજો તોડી રોકડા રૂ.90 હજાર ચોરનાર ત્રણ ચોરી કરી અડધો કલાક બાદ તે રસ્તે જ પાછા જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ અંગે પન્નાભાઈએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News