સમયની સાથે-સાથે ભગવાનના વાઘા પણ બન્યા ડિઝાઈનર, સુરતની આત્મનિર્ભર મહિલાએ જન્માષ્ટમી માટે ફેશનેબલ વાઘા બનાવ્યા
Surat News : કોરોના પહેલા ગૃહિણી પરંતુ કોરોનાના કપરા કાળમાં પરિવાર પર આવી પડેલી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે ગૃહિણીએ ભગવાનના વાઘા બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. કોરોના બાદ આત્મનિર્ભર બનેલી મહિલા હવે ભગવાનના ડિઝાઈનર વાધા બનાવી રહી છે. આ વર્ષે ભગવાનના વાઘામાં બોલ્સવાળા વાધા અને લાઈટીંગવાળા વાઘાની એન્ટ્રી થઈ છે. પોતાના મનથી શ્રીકૃષ્ણ ભગવાનના વાઘાની ડિઝાઈન તૈયાર કરે છે. મોરપીંછ, ડાયમંડ વર્ક, અને ફ્લાવરના વાધાની ડિમાન્ડ વધી રહી છે.
છેલ્લા ઘણા વખતથી સ્ત્રી પુરુષોના કપડાની ફેશનમાં વધારો જોવા મળી રહ્યો છે અને સ્ત્રી પુરુષ અને બાળકો માટે હવે ડિઝાઇનર કપડાં બની રહ્યાં છે. છેલ્લા કેટલાક વખતથી પ્રોફેશન નોલેજ મેળવનારા વાધા બનાવનારા લોકો ડિઝાઈનર વાધા બનાવી રહ્યા છે. જોકે, કોરોનાકાળ બાદ પુણા ગામની એક સોસાયટીમાં રહેતી મહિલાનો પરિવાર આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. કોરોના દરમિયાન તો પરિવાર માંડ સંઘર્ષ કરીને જીવન ગુજરાન ચલાવ્યું હતું. પરંતુ ત્યારબાદ મંદીના કારણે પતિની જોબ છૂટી જતાં પરિવારની મુશ્કેલી વધી ગઈ હતી. જોકે, પરિવારમાં ગૃહિણી એવા નીતા સાવલિયાએ હાર માની ન હતી અને પોતે પોતાના ઘરના મંદિરમાં રહેલા કનૈયાના વાઘા બનાવતી હતી. તે વાઘા બનાવી નાના પાયે વેચાણ શરૂ કર્યું હતું. ત્યારબાદ આજે હવે આ મહિલા ભગવાનના ડિઝાઈનર વાઘા બનાવી પરિવારને આર્થિક સપોર્ટ કરી રહી છે.
ડિઝાઈનલ વાધા બનાવનારા નીતા સાવલિયા કહે છે, કોરોના સમયે ભગવાનના વાઘા બનાવવાની પ્રેરણા ભગવાને જ આપી હતી અને તેમના કારણે આજે વાઘાનો ધંધો સારો ચાલી રહ્યો છે. તેઓ વાઘા માટેનું મટીરીયલ્સ જાતે જ લાવે છે અને મનથી વાઘાની ડિઝાઈન બનાવે છે. આ વર્ષે ભગવાનના વાઘા ફરતે બોલ્સ હોય તેવા વાઘા બનાવ્યા છે તેની ડિમાન્ડ વધુ થઈ રહી છે. આ ઉપરાંત સમયની સાથે થોડી ફેશન પણ વિચારી હતી તેમાં ભગવાનના વાઘામાં લાઈટ લગાવી હતી. રાત્રીના સમયે ભગવાનના વાઘાની આ લાઈટ ચાલું કરવામાં આવે તો વાઘા વધુ આકર્ષક લાગે છે. આ ઉપરાંત ગ્રાહક જો કોઈ ડિઝાઇન આપે તો તે ડિઝાઇનવાળા વાઘા પણ બનાવી આપું છું.
મોરપીંછ, ગુલાબની પાંદડી અને ફ્લાવરના વાઘાની પણ ડિમાન્ડ
સુરતના જન્માષ્ટમીના બજારમાં હાલ ભગવાનના વાઘાની ડિમાન્ડ વધી રહી છે. ભગવાનના જાત-જાતના વાઘા મળી રહ્યા છે. હાલમાં ભગવાનને મોરપીંછ પસંદ હોય મોરપીંછનો ઉપયોગ કરીને વાઘા તૈયાર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. મોરપીંછ સરળતાથી મળતા નથી પરંતુ જેટલા મળે છે તેટલા વાઘા તૈયાર કરવામાં આવે છે. મોરપીંછ ઓંછા મળે છે અને ડિમાન્ડ વધુ હોવાથી આ વાઘાની અછત જોવા મળે છે. આ સાથે-સાથે સુરતના બજારમાં, હાલમાં ગુલાબની પાંખડીવાળા વાઘા ઉપરાંત મોરપીંછ, ડાયમંડ વર્ક, અને ફ્લાવરના વાઘાની ડિમાન્ડ પણ જોવા મળે છે.
સુરતમાં બનેલા કાન્હાના વાઘાની વિદેશમાં પણ ડિમાન્ડ
સુરતમાં કોરોના કાળની પોઝીટીવ ઈફેક્ટમાં પુણાની ગૃહિણી ભગવાનના વાઘા બનાવતી થઈ અને હવે આ વાઘા માત્ર સુરત કે ભારતમાં જ નહીં પરંતુ વિદેશથી પણ ડિમાન્ડ આવી રહી છે. પુણાના સામાન્ય વિસ્તારમાં નાનકડા ઘરમાં રહેતી મહિલાએ પોતાની મહેનત અને વિચાર શક્તિથી ભગવાનના વાઘા બનાવે છે અને તેમના વેચાણ માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે. ગત વર્ષથી તેમને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જેવા દેશમાંથી ભગવાનના વાઘા માટે ઓર્ડર મળ્યા હતા.