તાપી નદીમાં જળકુંભીનો જથ્થો વધતાં સ્વિમિંગની તાલીમ લેતા ફાયર વિભાગના જવાનો માટે આફતરૂપ
Tapi River Surat : સુરત પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓને સ્વીમીંગ તથા પાણીમાં ડૂબતા લોકોને બચાવવા માટે તાલીમ આપવા કોઝવેનો ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક દિવસથી સુરત પાલિકાના ફાયર વિભાગના સ્ટાફ કોઝવે ખાતે તાલીમ માટે આવે છે પરંતુ આ જગ્યાએ ભેગી થયેલી જળકુંભી વિલન બની રહી છે. આ પહેલા પાલિકાના ઇન્ટેક વેલ માટે આફતરૂપ બનતી જળકુંભી સ્વીંગ પ્રેક્ટીસ માટે પણ આફતરૂપ બની રહી છે. તાપી નદીના કોઝવે પાસે જમા થયેલી જળકુંભીના કારણે ભારે દુર્ગંધ આવી રહી છે તેવી સ્થિતિમાં આ જળકુંભી વચ્ચે સુરત પાલિકાના ફાયર જવાનો સ્વીમીંગ સહિતની તાલીમ લેવા માટે મજબૂર બન્યા છે.
સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓ માટે જીવાદોરી બની ગઈ છે. સુરતના 70 લાખ લોકો માટે પાલિકા તાપી નદીમાંથી રો-વોટર લઈને તેને ટ્રીટ કરીને લોકોના ઘર સુધી પહોંચાડે છે. પરંતુ આ તાપી નદીમાં જળકુંભીની સમસ્યા હોવાથી પાણીની ગુણવત્તાને બગાડી રહી છે. તો બીજી તરફ આ જળકુંભીના કારણે અનેક વખત પાલિકાના ઇન્ટેક વેલ પર પણ માઠી અસર થાય છે.
હાલ આકાશમાંથી આકરી ગરમી પડી રહી છે ત્યારે કોઝવે પાસે ભેગી થયેલી જળકુંભી વોટર વર્કસ કે ઇન્ટેક વેલ માટે નહી પરંતુ પાલિકાના ફાયર જવાનોની પ્રેક્ટિસ કે તાલીમ માટે વિલન બની રહી છે. સુરત પાલિકાના ફાયરના જવાનોને પાણીની કામગીરી માટેની તમામ પ્રકારની તાલીમ કોઝવે પર આપવામા આવે છે. પરંતુ હાલમાં કોઝવે પાસે જળકુંભીનો જથ્થો જમા થયો છે અને પાલિકા તંત્ર દ્વારા આ જથ્થો દુર કરવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે ફાયરના જવાનોને જળકુંભી વચ્ચે તાલીમ આપવામાં આવી રહી છે જે જોખમી પણ છે. જળકુંભીનો જથ્થો હોય અને તેમાં કોઈ ફસાય તો જાનહાની પણ થઈ શકે છે. આ ઉપરાંત તેની દુર્ગંધના કારણે પણ ફાયરના જવાનોને મુશ્કેલી પડી શકે છે.
પાલિકા જળકુંભીની સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોવા છતાં પાલિકાના ફાયરના જવાનો તાલીમ લઈ રહ્યા છે ત્યાંજ જળકુંભીનો જથ્થો પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે.