સુરત: જગ્ગુ માલીયા ગેંગનો સાગરીત દેશી હાથ બનાવટની પિસ્ટલ, તમંચો, 17 જીવતા નાના મોટા કાર્ટિઝ, 2 ખાલી મેગઝીન સાથે ઝડપાયો
- એસઓજીએ હથિયાર સાથે ઝડપેલો સરોજ ઉર્ફે મોન્ટુ અગાઉ હત્યા, અપહરણ, મારામારી અને હથિયારના 6 ગુનામાં ઝડપાયો છે અને તડીપાર પણ થયો છે
સુરત, તા. 09 ઓક્ટોબર 2020 શુક્રવાર
સુરત એસઓજીએ વેસુ ગામના રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રેઇડ કરી પાંડેસરાની માથાભારે જગ્ગુ માલીયા ગેંગના સાગરીતને દેશી હાથ બનાવટની પિસ્ટલ, તમંચો, 17 જીવતા નાના મોટા કાર્ટિઝ, 2 ખાલી મેગઝીન સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલો સરોજ ઉર્ફે મોન્ટુ અગાઉ હત્યા, અપહરણ, મારામારી અને હથિયારના 6 ગુનામાં ઝડપાયો છે અને તડીપાર પણ થયો છે.
એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઇ દિપસિંહ કાનજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ લખમાભાઇને મળેલ બાતમીના આધારે એસઓજીએ ગતરોજ વેસુ ગામ રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.403 માં રેઈડ કરી પાંડેસરા વિસ્તારના માથાભારે જગ્ગુ માલીયાની ટપોરી ગેંગના સાગરીત સરોજ ઉર્ફે મોન્ટુ સુભાષચંદ્ર મહંતી ( ઉ.વ.30, રહે.ફ્લેટ નં.403, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, વેસુ ગામ, સુરત. મૂળ રહે.ગામ સોનમસાહી, જી.ગંજામ, ઓડીશા ) ને ઝડપી લઈ તેની તથા તેના ફ્લેટની તપાસ કરતા દેશી હાથ બનાવટની એક પિસ્ટલ, એક તમંચો, 17 જીવતાં નાના મોટા કાર્ટિઝ, બે ખાલી મેગઝીન, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 47,950 નો મુદ્દામાલ કબ્જે કરીસરોજ ઉર્ફે મોન્ટુના વિરૂધ્ધમાં આર્મ્સ એકટ મુજબ ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
એસઓજીએ ઝડપેલો સરોજ ઉર્ફે મોન્ટુ પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2013, 2014, 2015માં મારામારીના ગુનામાં, વર્ષ 2016 માં હથીયારના ગુનામાં, વર્ષ 2017 માં માથાભારે શંભુ માલીયાની હત્યાના ગુનામાં તેમજ વર્ષ 2019 માં ખટોદરા પોલીસ મથકમાં અપહરણ સહિતના કુલ 6 ગુનામાં પકડાયો છે. તે સુરત શહેરમાંથી તડીપાર પણ થયો છે.