વિશ્વ યોગ દિવસે સુરતીઓ યોગમય બન્યા : પાલિકા અને સરકારી તંત્ર દ્વારા શહેરમાં અનેક જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાયા
World Yoga Day in Surat : ભારતીય સંસ્કૃતિની વિશ્વને અણમોલ ભેટ એવી યોગવિદ્યાના સન્માનમાં સમગ્ર વિશ્વમાં તા.21 જૂનને-વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે. આજે વિશ્વ યોગ દિવસે સુરતીઓ યોગમય બન્યા મોટી સંખ્યામાં યોગના કાર્યક્રમ થયાં હતા. સુરત પાલિકા અને સરકારી તંત્ર દ્વારા શહેરમાં અનેક જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ ભાગ લીધો હતો. સુરત પાલિકાના મુખ્ય કાર્યક્રમ ઐતિહાસિક કિલ્લામાં થયો જ્યારે પાલિકાની તમામ સ્કૂલ અને વિવિધ પ્રિમાઈસીસમાં પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત પાલિકાના મુખ્ય કાર્યક્રમ કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી સી.આર.પાટીલની હાજરીમાં ચોક બજારના ઐતિહાસિક કિલ્લા ખાતે યોજાયો હતો. આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી સ્વંય અને સમાજ માટે યોગની થીમ પર યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા. આ ઉપરાંત સુરત પાલિકાના વિવિધ પ્રકલ્પો અને પ્રિમાઈસીસમાં પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં સ્થાનિક કોર્પોરેટર, અધિકારીઓ અને લોકો જોડાયા હતા.
યોગ દિવસની ઉજવણી સમયે કેન્દ્રીય પ્રધાન સી.આર.પાટીલે કહ્યું હતું કે, આજે જમ્મુ અને કાશ્મીરમાં 50 લાખથી વધુ લોકો જોડાયા હતા તે અભૂતપૂર્વ છે. યોગ એ આપણી સંસ્કૃતિ છે તે આપણું જીવન પણ છે કોઈ પણ પ્રકારની દવા વગર કોઈ પણ પ્રકારની સારવાર વિના યોગ દ્વારા અસાધ્ય રોગોમાં પણ સારા કરવાની વ્યવસ્થાએ યોગની તાકાત છે તેથી આપણી સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય તેનો પ્રયાસ છે. આજે 176 દેશો કરતાં વધુ યોગ સાથે જોડાયા છે. આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આ ઉપરાંત તેઓએ વૃક્ષારોપણ સાથે સાથે વરસાદી પાણીનો બોરમાં સંગ્રહ કરવા માટે લોકોને અપીલ કરી હતી.