સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના: કાર અપાવવાના બહાને DGVCLના કર્મચારી પાસેથી રૂ. 1.80 લાખ પડાવનાર કૌટુંબિક ભાઇની ધરપકડ
Image Source: Freepik
- રૂ. 3.75 લાખમાં કારનો સોદો કર્યો અને એડવાન્સ પેમેન્ટ પણ લીધુઃ કારમાં ખરાબી છે એમ કહી બારોબાર વેચી દીધી, પૈસાની જરૂર છે કહી ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી રૂ. 35 હજાર પણ લઇ લીધા
સુરત, તા. 05 ડિસેમ્બર 2023 મંગળવાર
મોટા વરાછામાં રહેતા ડીજીવીસીએલના કર્મચારીને કાર અપાવવાના બહાને રૂ. 1.50 લાખ અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી રૂ. 35 હજાર મળી કુલ રૂ. 1.80 લાખ પડાવી લઇ ધાક-ધમકી આપનાર કૌટુંબિક ફોઇના દીકરાની પોલીસે ધરપકડ કરી છે.
મોટા વરાછાના મહારાજા ફાર્મ નજીક સુમન નિવાસમાં રહેતો અને ડીજીવીસીએલમાં નોકરી કરતો નિકુંજ જીતેન્દ્ર વાઘેલા (ઉ.વ. 31) એ ઓક્ટોબર 2022 માં કૌટુંબિક ફોઇના દીકરા અમીત ઉર્ફે લાલો મહેશ ચાવડા (રહે. શુભમ એવન્યુ, અબ્રામા રોડ, મોટા વરાછા) પાસેથી રૂ. 3.75 લાખમાં વેગન આર કાર ખરીદવાનું નક્કી કર્યુ હતું. જેના પેમેન્ટ પેટે નિકુંજે ટુક્ડે-ટુક્ડે રૂ. 1.45 લાખ ઓનલાઇન અને રૂ. 95 હજાર રોકડા આપ્યા હતા બાકીનું પેમેન્ટ કારની ડિલીવરી વખતે આપવાના હતા. વીસ દિવસ બાદ કાર આપવાનું કહેનાર અમીતે કારમાં ખરાબી છે એમ કહી બારોબાર બીજાને વેચી દીધી હતી. જેથી નિકુંજે પેમેન્ટ પરત આપવાનું કહેતા રૂ. 90 હજાર આપી દીધા હતા અને નવસારી ખાતે મારૂતિ સુઝુકીના શો રૂમમાં નોકરી કરતા મિત્ર સાથે વાત કરાવી બીજી કાર અપાવવાનું કહ્યું હતું. ત્યાર બાદ પૈસાની જરૂર છે અને હું બિલ ભરી દઇશ એમ કહી નિકુંજનો ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 35 હજાર સ્વાઇપ કર્યા હતા. પરંતુ આ પેમેન્ટ પણ ભર્યુ ન હતું અને બાકી રૂ. 1.50 લાખ પણ પરત આપ્યા ન હતા અને ધાક-ધમકી આપી હતી. આ પ્રકરણમાં ઉત્રાણ પોલીસે બાંધકામનો વ્યવસાય કરતા અમીતની ધરપકડ કરી છે.