સુરતમાં ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ પર બનનારું ગાંધી સ્મૃતિ ભવનનું ખાતમુહૂર્ત કર્યું : સાંજે સભા થશે
- કલા પ્રેમીઓની લાંબા સમયની માંગ હવે સંતોષવા જઈ રહી છે
- વરાછાની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે કલાકુંજ બ્રિજ ખુલ્લો મુકાયો : આવતીકાલે ભાજપ અધ્યક્ષના હસ્તે ભાઠેના બ્રિજનું લોકાર્પણ કરાશે
સુરત,તા.8 નવેમ્બર 2023,બુધવાર
સુરત શહેરના વરાછા, સેન્ટ્રલ ઝોન અને લિંબાયત વિસ્તારમાં લોકોની લાંબા સમયની માંગણી આજે અને આવતીકાલે બે દિવસમાં પુરી થવા જઈ રહી છે. સુરતના કલાપ્રેમી જનતા દ્વારા ગાંધી સ્મૃતિ ભવનના પુનઃ નિર્માણ માટેની માગણી હતી આવી જ રીતે વરાછા અને ભાઠેના વિસ્તારમાં બ્રિજ બનાવવાની માગણી લાંબા સમયથી હતી તે માંગણી હવે પુરી થશે. આજે સુરતના નાનપુરા વિસ્તારમાં ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ પર બનનારું ગાંધી સ્મૃતિ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વરાછા કલાકુંજ ખાડી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે આવતીકાલે ભાજપ અધ્યક્ષના હસ્તે ભાઠેના બ્રિજનું લોકાર્પણ કરાશે.
સુરતનું સૌથી જુનુ અને વર્ષ 2019માં જર્જરિત થયેલા ગાંધી સ્મૃતિ ભવનને ઉતારી લીધા બાદ ચાર વર્ષ, સુધી કોઈ નિર્ણય કર્યો ન હતો. પાલિકાએ છઠ્ઠા પ્રયાસમાં ટેન્ડર બહાર પાડ્યા છે જે પાલિકાના અંદાજ કરતાં 38.21 ટકા ઉંચા આવ્યા છે. આ અંગે પ્રદેશ પ્રમુખની સુચના બાદ પાલિકાના ભાજપ શાસકોએ ટેન્ડર મંજૂરી આપવામાં આવી હતી. સુરતના નાનપુરા વિસ્તારમાં બનેલું ગાંધી સ્મૃતિ ભવન 43 વર્ષ સુધી ધમધમતું રહ્યું હતુ. પરંતુ જર્જરિત થતાં 2019 માં ઉતારી લેવામાં આવ્યું હતું અને ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ પર નવું બિલ્ડીંગ બનાવવા માટે આજે મેયર દક્ષેશ માવાણીના હસ્તે ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. જ્યારે સાંજે આ જગ્યાએ નાટ્ય કલાકાર સાથે નાનકડી સભા રાખવામાં આવી છે.
આજે ગાંધી સ્મૃતિ ભવનનું ખાત મુર્હુત કર્યું તે ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ પર બનશે. નવા બનનારા ગાંધી સ્મૃતિ ભવનમાં બીજા માળે- ઓડિટોરિયમ સીટીંગ તથા ગ્રીન રૂમ, ત્રીજો માળે-બાલ્કની સીટિંગ તથા રિહર્સલ રૂમ અને ચોથો માળે- ઓડિટોરિયમ ડબલ હાઈટ અને રિહર્સલ રૂમ બનાવવામાં આવશે જ્યારે પાંચમા અને છઠ્ઠા માળે માત્ર પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે. આગામી દિવસોમાં સુરતની કલાપ્રેમી જનતા માટે આ ગાંધી સ્મૃતિ ભવન નવું નજરાણું મળશે. ચોમાસા બાદ કરતાં બે વર્ષની સમય મર્યાદામાં પાંચ માળનું ગાંધી સ્મૃતિ ભવન બનાવી દેવામાં આવશે. આજે ખાત મુર્હુત સમયે કલાકારોએ ઢોલ નગારા વગાડીને ફટાકડા ફોડી પાલિકાની કામગીરીને વધાવી લીધી હતી.
આ ઉપરાંત સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલમંત્રી દર્શના જરદોશના હસ્તે કલાકુંજ ખાડી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ બાદ વરાછા થી વરાછા મેઈન રોડ, ચીકુવાડી અને શ્રી રામનગર સોસાયટી સુધીની સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે, જેનો અંદાજીત 5 થી 7 લાખ લોકોને લાભ થશે. અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે
આ ઉપરાંત આવતીકાલે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભાઠેના બ્રિજનું લોકાર્પણ કરાશે. ભાઠેના ફ્લાય ઓવર બ્રિજ સાકાર થતા બીઆરટીએસ રૂટ પર ટ્રાફિકનું ભારણ ઘટશે.