આગામી લોકસભાની ચૂંટણી આચાર સંહિતાના પગલે પાલિકામાં વિકાસના કામોનો ધમધમાટ
Image Source: Facebook
આવતીકાલ સોમવારે પાલિકાની સામાન્ય સભા સ્થાયી સમિતિએ મંજૂર કરેલા 1016 કરોડના કામો સાથે અન્ય કામો ને મળશે બહાલી
સોમવારે સામાન્ય સભા બાદ મંગળવારે વધુ એક સ્થાયી સમિતિની બેઠક મળશે જેમાં 11 પે એન્ડ યુઝ ટોયલેટ કોન્ટ્રાક્ટના કામો સમાવાયા
સુરત, તા. 10 માર્ચ 2024 રવિવાર
આગામી લોકસભાની ચુંટણી ની અસર રાજકારણ સાથે સાથે પાલિકા પર પણ જોવા મળી રહી છે. ચુંટણીની આચાર સંહિતા જાહેર થાય તે પહેલાં સુરત પાલિકા વિકાસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. લોકસભાની ચુંટણી જાહેર થાય તે પહેલાં એક જ દિવસમાં સુરત પાલિકામાં વિકાસ નો વિસ્ફોટ જોવા મળ્યો હતો. ગત ગુરુવારે યોજાયેલી સ્થાયી સમિતિના રેગ્યુલર એજન્ડામાં 620 કરોડના 85 કામો અને વધારાના 94 કામના 267 કરોડ અને સમિતિના 128 કરોડ મળીને 1016 કરોડના કામ એક સાથે મંજુર કરી દેવાયા હતા હવે આ કામોની મજુરી માટે આવતીકાલ સોમવારે પાલિકાની સામાન્ય સભાની બેઠક મળશે જેમાં સ્થાયી સમિતિના કામો તથા વિવિધ સમિતિ ના કામો પર મંજૂરીની મહોર મારી દેવાશે,
આગામી દિવસોમાં ગમે ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ જાય અને આચાર સંહિતા લાગુ પડી જાય તેવી શક્યતા છે. આ શક્યતાને પગલે પાલિકાનું વહિવટી તંત્ર અને શાસકો અચાનક જ હરકતમાં આવી ગયાં છે. આજે સ્થાયી સમિતિની બેઠક માટે રેગ્યુલર એજન્ડામાં 85 કામો રજૂ કરવામાં આવ્યા હતા જેના પ્રોજેક્ટ ની અંદાજીત કિંમત 620 કરોડની થતી હતી. પરંતુ આજે દિવસ દરમિયાન પાલિકા કચેરી ધમધમતી રહી હતી અને એક બાદ એક વધારાના 94 કામ રજુ કરી દેવામા આવ્યા હતા અને વિવિધ સમિતિ ના અંદાજો સાથે 395 કરોડના કામ રજુ કરી અને મંજુર પણ કરી દેવામા આવ્યા છે. જેના કારણે આજની સ્થાયી સમિતિમાં 179 કામ રજૂ કરવામાં આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં સ્થાયી સમિતિની બેઠક આટોપી પણ લેવામાં આવી હતી અને એક સાથે 1016 કરોડના કામોને મંજૂરી આપી દેવામાં આવી હતી.
આ ઉપરાંત હાલમાં લાઈટ એન્ડ ફાયર કમિટી સહિત અન્ય કમિટિની પણ બેઠક મળી હતી આ કમિટીના કામોને મજૂરી માટે સામાન્ય સભા મંજુરી ની જરુર છે . ઉપરાંત આગામી 14 માર્ચ ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય અને આચાર સંહિતા લાગુ પડી જાય તેવી શક્યતા હોય પાલિકાએ આવતીકાલ સોમવારે સામાન્ય સભાનું આયોજન કર્યું છે. આ સભામાં સ્થાયી સમિતિ મા મંજુર થયેલા કામો સાથે સાથે વિવિધ કમિટિના કામોને પણ મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ જે કામો સ્થાયી સમિતિમાં મંજૂર થઈ શકે તેવા પે એન્ડ યુઝ ટોયલેટ ના કામ માટે મંગળવારે સ્થાયી સમિતિની બેઠક મળશે. પાલિકાની આ પ્રકારની કવાયત જોતા ગમે ત્યારે લોકસભાની ચૂંટણી આચાર સંહિતા જાહેર થઈ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.