સુરતમાં હોળી માતાને તાવ ઘોડો, ટાઢકીયું અને હારડા સહિતની વસ્તુઓ અર્પણ કરવાની પ્રથા યથાવત
હોળી પહેલાની ગરમીના કારણે બાળકને આવતો તાવ હોળી માતાને તાવ ઘોડો અને ટાઢકીયું આપવાથી દૂર થતો હોવાની માન્યતા: ઉધરસની માનતા માટે હોળી માતાને ધાણી-ચણા ચઢાવવામાં આવે છે
હોળી સાથે સુરતીઓની વર્ષો જૂની માન્યતા તાજી થાય છે
સુરત, તા. 21 માર્ચ 2024 ગુરુવાર
સુરત સહિત સમગ્ર દેશમાં હોળીના તહેવારની ઉજવણી માટે તૈયારી થઈ રહી છે હોલિકા દહન ના દિવસે પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે. જેમાં તમામ પ્રકારની અનિષ્ટ, અહંકાર અને નકારાત્મક ઉર્જા બળી જાય છે તેવી માન્યતા છે. જોકે, સુરતીઓની હોળી સાથે સંકળાયેલી માન્યતા યથાવત જોવા મળી રહી છે.
સુરતમાં હોળી માતાને તાવ ઘોડો, ટાઢકીયું અને હારડા સહિતની વસ્તુઓ અર્પણ કરવાની પ્રથા યથાવત જોવા મળી રહી છે. હોળી પહેલાની ગરમીના કારણે બાળકને આવતો તાવ હોળી માતાને તાવ ઘોડો અને ટાઢકીયું આપવાથી દૂર થતો હોવાની માન્યતા ઉધરસ ની માનતા માટે હોળી માતાને ધાણી-ચણા ચઢાવવામાં આવે છે.
સુરતમાં હોળી-ધુળેટીના તહેવાર પહેલા રંગ અને પિચકારી નું વેચાણ તો થાય છે પરંતુ સુરતની અનેક ગાંધીની દુકાન પર કાપડથી બનાવેલા ઘોડાનું વેચાણ થાય છે. તેની સાથે પતરા પર આંખ, હાથ અને પગ દોરેલી હોય છે તેનું પણ ધુમ વેચાણ થઈ રહ્યું છે. કોટ વિસ્તાર એવા જુના સુરત સાથે રાંદેર -અડાજણ વિસ્તારની દુકાનોમાં પણ આવી સામગ્રી નું વેચાણ થઈ રહ્યું છે.
આવી સામગ્રી નું વેચાણ કરનારા ભરતભાઈ દોરાબ દારુવાલા કહે છે, મૂળ સુરતીઓ હોળી દરમિયાન તાવ ઘોડો, ટાઢકીયું અને હારડા સાથે પતરા પર ઉપસાવેલા શરીરના અંગોના ચિત્રો નું વેચાણ થાય છે. આ વસ્તુની ખરીદી કરીને હોળી પ્રગટાવેલી હોય તેમાં અર્પણ કરવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે.
હોળીની પૂજા કરાવનારા હાર્દિક ઉપાધ્યાય કહે છે, હોળી પહેલા જે ગરમી પડે છે તે દરમિયાન બાળકોમાં તાવ, શીતળા,અછબડા જેવા રોગ થતા હોય છે. વર્ષો પહેલા આવા રોગથી બાળકોને દુર રાખવા માટે વાલીઓ દ્વારા તાવ ઘોડો, ટાઢકીયું અને હારડા ( સાકરના બનેલો હાર) હોળી માતાને ચઢાવતા હતા. સમય ઘણો બદલાયો છે અને વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે તેમ છતાં મૂળ સુરતીઓની હોળી માટેની અનેક પરંપરા યથાવત જોવા મળી રહી છે. આજે પણ લોકો પોતાના બાળકોને તાવ અને અન્ય રોગથી બચાવવા માટે તાવ ઘોડો, ટાઢકીયું અને હારડા જેવી વસ્તુ અર્પણ કરે છે.
હોળીની પવિત્ર જ્વાળામાં તમામ પ્રકારની અનિષ્ટ, અહંકાર અને નકારાત્મક ઉર્જા બળી જાય છે તેવી સુરતીઓની માન્યતા હજી પણ અડગ છે. આ ઉપરાંત અનેક લોકો હોળીમાં ધાણી ચણા અર્પણ કરે છે તેના કારણે ખાંસીનો રોગ થતો નથી તેવું પણ લોકો માની રહ્યા છે આ પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે.