દક્ષિણ ગુજરાતમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા:મેળામાં લોકોની ભીડ
- પલસાણાના પૌરાણિક ગંગાજીના મેળા સહિત બરૂમાળ, બાલચોંઢી, અરણાઇ, રાતા, નામધા એન દમણમાં મેળો ભરાયો
વાપી, તા. 4 માર્ચ 2019, સોમવાર
મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સમગ્ર દક્ષિણ ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા. શિવમંદિરોમાં વહેલી સવારથી હજ્જારોની સંખ્યામાં ભકતો દર્શનાર્થે ઉમટી પડયા હતા. જયારે વલસાડ જિલ્લાના પલસાણાના ગંગાજી, બાલચોંઢી, અરણાઈ, રાતા, બરૂમાળ અને દમણના સોમનાથના મેળામાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમવારે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સંઘપ્રદેશોના શિવાલયોમાં ભકતોની ભીડ ઉમટી પડી હતી. તમામ શિવાલયો હરહર મહાદેવના ગુંજનાદથી ગુંજી ઉઠયા હતા. વહેલી સવારથી પૂજા-અર્ચના માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. વલસાડ અને વાપી શહેરમાં આવેલા શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શિવમંંદિરમાં ભક્તો લાંબી કતારમાં ભોળાનાથના દર્શન માટે ભક્તો ઉભા રહ્યા હતા.
પારડી તાલુકાના પલસાણા ગામે પરંપરાગત રીતે ભરાતા ગંગાજીના મેળામાં લોકોની ભારે ભીડ જોવામાં આવી હતી. પલસાણા ગામે આવેલા અતિ પૌરાણિક અને ઐતિહાસિક શિવ મંદિરે ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત ધરમપુરના બરૂમાળ, કપરાડાના બાલચોંઢી, અરણાઈ, રાતા, નામધા અને દમણના સોમનાથ મહાદેવ મંદિર પાસે ભરાયેલા મેળામાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.