Get The App

ગણેશોત્સવમાં 87 રક્તદાન કેમ્પમાં 4576 યુનિટ રક્ત એકત્ર થયું

-ગણેશ ભક્તિ સાથે સામાજિક ભક્તિ

-લોકસમર્પણમાં 23 કેમ્પમાં 1528 અને સુરત રક્તદાન કેન્દ્રમાં 29 કેમ્પમાં 1400 યુનિટ રક્તદાન મળ્યું

Updated: Sep 25th, 2018

GS TEAM

Google News
Google News
ગણેશોત્સવમાં 87 રક્તદાન કેમ્પમાં 4576 યુનિટ રક્ત એકત્ર થયું 1 - image

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.૨૫ સપ્ટેમ્બર 2018,મંગળવાર 

સુરત શહેરના દસ દિવસ દરમિયાન ગણેશ ઉત્સવની ઉજવણીમાં બાપ્પાની ભક્તિની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ થઇ હતી. વિવિધ ગણેશ મંડળોએ દસ દિવસમાં ૮૭ રક્તદાન કેમ્પ કરીને ૪,૫૭૬ યુનિટ રક્ત એકત્ર કર્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ આયોજકો વિઘ્નહર્તાની આરાધના સાથે આરોગ્યલક્ષી આયોજન કરી રહ્યાં છે. ગણેશ ઉત્સવ દરમિયાન શહેરમાં વિવિધ મંડળો દ્વારા ઠેકઠેકાણે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના ડો. સુભાષભાઇ ખેનીએ જણાવ્યું હતું કે, દર વર્ષ કરતાં આ વર્ષે ગણપતિ ઉત્સવમાં બ્લડ કેમ્પના વધારે આયોજન થયા હતા. નાના-મોટા મંડળોના કુલ ૨૩ બ્લડ ડોનેશન કેમ્પ થયા હતા. ગણેશ વિસર્જન નિમિત્તે મોટાવરાછાના સિલ્વર મેગ્ઝીમાં એપાર્ટમેન્ટ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ઉત્સાહ દર્શાવી રક્તદાન કર્યું હતું. જેમાં ૧૫૩ બોટલ રક્ત એકત્ર થયું હતું. કુલ ૧૫૨૮ બોટલ રક્ત એકત્ર થયું હતું.

સુરત રક્તદાન કેન્દ્રના નિતેશભાઇ મહેતાએ કહ્યું કે, ૨૯ રક્તદાન કેમ્પમાં ૧૪૦૦ યુનિટ રક્ત એકત્ર થયું છે. જેમાં મોટા મંદિર યુવક મંડળ દ્વારા ૧૦ દિવસ સાત બ્લડ કેમ્પ કરવામાં આવ્યો હતો અને તેમણે ૫૩૧ બોટલ રક્ત એકત્ર કર્યું હતું.

આ ઉપરાંત ગણેશ ઉત્સવ દરમિયાન અડાજણની રેડકોસ બ્લડ બેન્ક દ્વારા ૭ રક્તદાન કેમ્પમાં ૪૭૮ યુનિટ રક્ત ભેગું થયું હતું. તથા નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં ૧૫ બ્લડ કેમ્પમાં ૪૮૬ યુનિટ રક્ત એકત્ર થયું અને સ્મીમેર બ્લડ બેન્કમાં ૧૩ કેમ્પમાં ૬૮૪ બોટલ રક્ત એકત્ર થયું હોવાનું જાણવા મળે છે.