સુરતમાં પ્રદુષણ અને શહેરીકરણની શ્રાદ્ધ પક્ષની ઉજવણી પર અસર
સુરતમાં શહેરી કરણ સાથે પ્રદૂષણની અસર હવે તહેવારોની ઉજવણી પર જોવા મળી રહી છે. સુરતમાં પ્રદુષણ તથા સિમેન્ટ કોન્ક્રીટ જંગલોના કારણે કાગડા ઘરોથી દૂર થયા છે આ ઉપરાંત પાલિકાની રખડતા ઢોરની સામેની કામગીરીના કારણે ઘરો નજીક ગાય પણ જોવા મળતી નથી. જેના કારણે હવે હિંદુઓ માટે પવિત્ર ગણાતા શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનો વાસ માટે કાગડા શોધવા બ્રિજ પર અને ગાયને ખવડાવવા ગૌશાળામાં જવું પડી રહ્યું છે.
સુરત સહિત સમગ્ર ભારતમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ગણેશ ઉત્સવ અને નવરાત્રી વચ્ચે આવતા શ્રાદ્ધ પક્ષમાં દરેકના ઘરમાં કોઈને કોઈ અવસાન પામ્યું હોય સ્વજન જે તિથીએ અવસાન પામ્યું હોય તે 16 તિથિ પર શ્રાદ્ધ પક્ષમાં કાગડા, કુતરા અને ગાયને વાસ મુકી પિતૃઓને રિઝવવાની પ્રથા આજે પણ ચાલી આવી છે. સુરતીઓએ શ્રાદ્ધ પક્ષમાં સદીઓથી ચાલી આવતી પ્રથા યથાવત રાખી છે પરંતુ સુરત છેલ્લા કેટલાક વર્ષોથી સિમેન્ટ કોંક્રીટ ના જંગલ બની રહ્યું છે વૃક્ષોને કાપીને બિલ્ડીંગ બની રહ્યાં છે તેના કારણે અનેક પક્ષીઓના માળા પણ દુર થાય છે. જેમાં સૌથી વધુ અસર કાગડા, કાબર અને ચકલીની સંખ્યાને થઈ હોવાનું બહાર આવ્યું છે.
શ્રાદ્ધ પક્ષમાં સુરતીઓ પોતાના ઘરે દુધ પુરી અને અન્ય ખોરાક બનાવીને પિતૃઓને તૃપ્ત કરવા માટે પહેલો વાસ કાગડાને બીજો કુતરાને અને ત્રીજો ગાયને એમ ત્રણ ભાગ પાડીને ખવડાવે છે અને ત્યાર બાદ પોતે શ્રાધ્ધનું ખાવાનું ખાઈ છે.જોકે, સુરત શહેરમાં હાલમાં કુતરાને વાસ ખવડાવવા માટે તો સરળતાથી મળી રહે છે. પરંતુ હાલમાં સુરત પાલિકા દ્વારા ચાલતી રખડતા ઢોર પકડવાની કામગીરી ના કારણે હવે ઘર નજીક ગાય ભાગ્યે જ જોવા મળે છે તેથી સુરતીઓએ આ શ્રાધ્ધના દિવસોમાં ગાયને શ્રાધ્ધ નુ ભોજન આપવા માટે ગૌશાળામાં જવું પડી રહ્યું છે. જોકે, કેટલીક ગૌશાળા વાળા આ પ્રકારનું ભોજન ગાયને આપવા દેતા ન હોવાથી ગાય ને ભોજન આપવા માટે અનેક જગ્યાએ કરવું પડી રહ્યું છે.
આ ઉપરાંત શ્રાધ્ધના ભોજનનો એક ભાગ કાગડાને પણ આપવાનો હોય છે. પરતુ કાગડા શોધવા સુરતીઓ માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે. પોતાના ઘર કે બિલ્ડીંગની ટેરેસ પર વાસ મુકીને કલાકો સુધી લોકો ઉભા રહે છે પરંતુ કાગડા આવતા નથી. અનેક લોકો કાગડાને વાસ મુકે પછી જ ખાતા હોય છે તેથી કાગડા શોધવા માટે તાપી બ્રિજ પર વાસ લઈને લોકો આવે છે. તાપી નદી પર બનેલા બ્રિજની પાળી પર હાલ દુધ પુરીના અનેક ડીશ કે દળીયા જોવા મળે છે.
પર્યાવરણ જાગૃતિ કામગીરી કરતાં રજનીકાંત ચૌહાણ કહે છે, માત્ર કાગડા જ નહી પરંતુ ફેમીલીયર ગણાતા ચકલી અને કાબર ની સંખ્યા પણ ઘણી જ ઓછી જોવા મળે છે. તેનું કારણ એ છે કે પહેલા જેવા ઘરના બદલે આધુનિક ઘર અને મોટી બિલ્ડિંગ બની રહી છે તેના કારણે આ પક્ષીઓના માળા બની શકતા નથી. જેના કારણે કાગડા ઘણાં જ ઓછા જોવા મળે છે. નદી પર બનેલા બ્રિજમાં હોલ હોવા સાથે આસપાસ વૃક્ષો પણ હોય છે તેના કારણે ત્યાં માળા બને છે તેથી નદી કિનારે કાગડા અને કાબર જેવા પક્ષીઓ જોવા મળે છે.