સુરતમાં રાંદેર ઝોનના સુમન વંદન આવાસમાં 70 ફ્લેટમાં ભાડુઆતનો ગેરકાયદે કબ્જો

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
સુરતમાં રાંદેર ઝોનના સુમન વંદન આવાસમાં 70 ફ્લેટમાં ભાડુઆતનો ગેરકાયદે કબ્જો 1 - image


Surat Awas House : સુરત પાલિકા અને સરકાર દ્વારા લોકોને ઘરના ઘર મળે તે માટે વિવિધ યોજના હેઠળ શહેરમાં બનાવેલા આવાસમાં કેટલીક જગ્યાએ ગેરકાયદે ભાડુઆતને આપી દેવામાં આવ્યા છે. લાંબા સમયથી વેસુના આવાસમાં ભાડુઆતોની વધતી સંખ્યા લાભાર્થીઓ માટે આફતરૂપ બની રહી છે તેવી અનેક ફરિયાદ બાદ અચાનક પાલિકા તંત્ર જાગ્યું છે. હાલમાં રાંદેર ઝોનના આકારણી વિભાગે એક સર્વે કર્યો હતો તેમાં સુમન વંદન આવાસમાં 70 ફ્લેટમાં ભાડુઆતનો ગેરકાયદે કબ્જો હોવાનું બહાર આવ્યું છે. ઝોન દ્વારા ભાડુઆતને નોટિસ આપી ફ્લેટ ખાલી કરવા તાકીદ કરી છે.

સુરતમાં રાંદેર ઝોનના સુમન વંદન આવાસમાં 70 ફ્લેટમાં ભાડુઆતનો ગેરકાયદે કબ્જો 2 - image

સુરત પાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપરાંત અન્ય આવાસ યોજના હેઠળ હજારો આવાસ બન્યા છે. સુરત પાલિકાના અઠવા ઝોનમાં રાહુલરાજ મોલ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુમન મલ્હાર બિલ્ડીંગ બનાવવામાં આવ્યા છે. આ આવાસના ડી-બિલ્ડીંગમાં લાભાર્થીઓની સાથે ભાડુઆતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.  જેના કારણે બિલ્ડીંગમાં અનેક સમસ્યા થતી હોવાથી સુમન મલ્હાર ડી-બિલ્ડીંગમાં નિયમ વિરુદ્ધ રહેલ ભાડુઆત પર કાયદાકીય કાર્યવાહી કરવા પાલિકાના એફોર્ડેબલ હાઉસીંગ સેલને ફરિયાદ કરી છે. પરંતુ કોઈ પગલાં હજી સુધી કરવામા આવ્યા નથી.

રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ખાતે મહાનગરપાલિકાએ બનાવેલા સુમન વંદન-1 અને સુમન વંદન-2માં છેલ્લા ઘણા સમયથી ભાડુઆતો વસવાટ કરતા હોવાની ફરિયાદ હતી. જેના પગલે રાંદેર ઝોનના આકારણી વિભાગે હાલમાં સર્વે કર્યો હતો. આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુમન વંદન-1માં 9 ભાડુઆતો વસવાટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને આ રીતે જ સુમન વંદન 2માં 61 ફ્લેટોમાં ભાડુઆતો વસવાટ કરી રહ્યા હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. 

રાંદેર ઝોનમાં બનેલા બંને આવાસોમાં 70 જેટલા પરિવારો ગેરકાયદેસર રીતે ભાડુઆત તરીકે વસવાટ કરી રહ્યા હોવાનું બહાર આવતાં પાલિકાએ ભાડુઆતને નોટિસ આપી છે અને ગેરકાયદે ભાડે રહેતા હોવાથી આવાસ ખાલી કરવા માટે તાકી કરી છે. રાંદેર ઝોનની જેમ જ અઠવા ઝોન અને અન્ય ઝોનમા આવા પ્રકારની ફરિયાદ છે તેથી સર્વે કરીને ગેરકાયદે રહેતા ભાડુઆતને ખાલી કરાવવામાં આવે તેવી માગણી થઈ રહી છે.


Google NewsGoogle News