ડ્રેનેજની સમસ્યા ન ઉકેલાય તો ડ્રેનેજના પાણી સુરત પાલિકાની ઓફિસમાં ઠાલવવાની ચીમકી, વિપક્ષના કોર્પોરેટરે પત્ર લખી રોષ ઠાલવ્યો
Surat Corporation : સુરત પાલિકાના વરાછા ઝોનમાં લોકોની ડ્રેનેજની સમસ્યાની લાંબા સમયની ફરિયાદ બાદ પણ પાલિકાએ નિકાલ ન કરતાં પાલિકાના વિપક્ષના એક કોર્પોરેટરે પાલિકાને પત્ર લખીને જો સમસ્યાનો હલ નહી આવે તો પાલિકા કચેરીમાં ડ્રેનેજના પાણીનું ટેન્કર ભરીને ઠાલવવામાં આવશે તેવી ચીમકી આપી છે.
સુરત પાલિકાના વરાછા એ ઝોનમાં સરદાર ચોક-શ્રી પૂજન રેસીડેન્સી પાસે ડ્રેનેજ લાઈન ઘણા સમયથી ઉભરી રહી છે. સ્થાનિક લોકોએ પાલિકા અને કોર્પોરેટરોને ફરિયાદ કરી છે તેમ છતાં પણ ડ્રેનેજના પાણી ઉભરાવવાની સમસ્યાનો હલ આવતો નથી. સ્થાનિકોની ફરિયાદ બાદ પાલિકાના વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ વરાછા ઝોનના વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ફરિયાદ બાદ પણ નિકાલ ન આવતા કોર્પોરેટરે પાલિકાના વરાછા ઝોનને એક પત્ર લખ્યો છે આ પત્રમાં જણાવ્યું છે કે, જો તમારા એન્જીનીયર-અધિકારીઓને આ બાબતે ખબર ના પડતી હોય તો એમને ઘરે બેસાડી દો અને નવા સારા અધિકારીઓની ભરતી કરો, આ ઉપરાંત ચીમકી આપતા જણાવ્યું છે કે, જો બે દિવસમાં ડ્રેનેજની સમસ્યાનો નિકાલ ઝોન દ્વારા લાવવામાં નહી આવે તો એ જ ડ્રેનેજના પાણી ટેન્કરમા ભરી લાવીને તમારી ઓફિસમાં અને આખી ઝોન ઓફિસમાં ઠાલવી દેવામાં આવશે. આ ચીમકી બાદ પાલિકા તંત્ર દોડતું થયું છે.