સુરતમાં મનપાના મોતના આંક અને સ્મશાન ગૃહના આંકમાં મોટા ફેરફાર, અગ્નિસંસ્કાર માટે લાંબી લાઈનો લાગી
- સોશિયલ મીડિયામાં સ્મશાનગ ગૃહનો વિડીયો વાયરલ
સુરત, તા. 5 એપ્રિલ 2021, સોમવાર
મહામારીના એક વર્ષ પછી પણ કોરોનાએ સુરતનો પીછો છોડયો નથી. ઊલટું વર્તમાન સમયે કોરોનાની પકડ વધુ મજબૂત બની છે ત્યારે સુરતમાં આવેલ સ્મશાનભૂમિમાં અગ્નિસંસ્કાર માટે લાંબી લાઈનો હોવાનો વિડીયો વાયરલ થયો છે.
કોરોનાની સારવારને લઇ શહેરની હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ છે ત્યારે સ્મશાનભૂમિ પણ મૃતદેહોથી ભરચક થઇ ચૂકી છે..જેના વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. વાઈરલ વિડીયો મુજબ સુરતના અશ્વિનીકુમાર સ્મશાન મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જે જોઈને અનેક લોકોના મનમાં ડર બેસી ગયો છે.
સ્મશાન ભૂમિઓમાં કોવિડ પ્રોટોકલ મુજબ અંતિમ સંસ્કાર કરવા મૃતદેહોની લાઇન લાગી છે. પરિવારજનો સ્વજનના અંતિમ સંસ્કાર માટે રાહ જોઈને બેઠા છે. સુરતમાં રોજ પોઝિટિવ અને શંકાસ્પદ કોરોનાના દર્દી સિવાય 100થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે જે વાત સુરતના એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
રોજ સુરત શહેરમાં સો જેટલા મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે. ત્રણે સ્મશાનભૂમિ ફૂલ થઇ ગઇ છે. એક ડેડ બોડીના અંતિમ સંસ્કાર માટે આશરે દોઢથી બે કલાકનો સમય લાગે છે અને આશરે અઢીથી ત્રણ કલાક સુધી અંતિમ ક્રિયા માટે વેઇટિંગ ચાલી રહ્યું છે.