સતત ત્રીજા દિવસે મેઘરાજાએ સુરતને ધમરોળ્યું, પોશ ગણાતા વેસુ વિસ્તારના અનેક રોડ વરસાદી પાણીમાં ગરક
Rain in Suran : સુરતમાં શનિવારે મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ આજે સતત ત્રીજા દિવસે સુરતને ધમરોળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાએ કરેલી પ્રિમોન્સુન કામગીરી આ વરસાદી પાણીમાં ધોવાઈ રહી છે. આજે સતત ત્રીજા દિવસે પાલિકાના વીઆઈપી ગણાતા અઠવા ઝોનમાં અનેક જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે. અઠવા ઝોનના વેસુ વિસ્તારના અનેક રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા છે તેના કારણે વાહનચાલકોની મુશ્કેલી વધી રહી છે.
આજે મંગળવારે સવારથી જ વરસાદનું જોર રહ્યું છે ગઈકાલે રાત્રે વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ સવારે વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો. સુરત પાલિકાના અઠવા ઝોનમાં વેસુના અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું હતું. આજે સવારથી જ વેસુના જમનાબા પાર્ક, ભગવાન મહાવીર કોલેજ, સંયમ વિહાર, શ્યામ મંદિર સહિતના અનેક વિસ્તારના રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વહેલી સવારથી જ આ રોડ પર પાણીનો ભરાવો હોવાના કારણે સવારે નોકરી ધંધે જનારા લોકોની હાલત કફોડી થઈ રહી છે.