સુરતની સ્મીમેર હોસ્પિટલમાં અદ્યતન કેથ લેબ શરૂ કરી હૃદય રોગ જેવી ગંભીર બીમારીની સારવાર કરી શકાશે
- સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આર્શીવાદરૂપ બનશે
- સુરત પાલિકા 10 કરોડના ખર્ચે અદ્યતન લેબ બનાવવા સાથે 10 સુપર સ્પેશિયાલીટી સારવાર માટે પણ સુવિધા ઉભી કરશે
સુરત,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સુરત અને દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના કેટલાક લોકો માટે આર્શીવાદ સમાન બની રહી છે., સ્મીમેર હોસ્પિટલમાં રોજના ત્રણ હજાર કરતાં વધુ આઉટડોર દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. પાલિકાની આ હોસ્પિટલને આગામી દિવસોમાં હૃદયરોગ જેવી ગંભીર બીમારીની અદ્યતન સારવાર મળે તે માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. સુરત પાલિકા સ્મીમેર હોસ્પિટલમાં અંદાજે 10 કરોડના ખર્ચે અદ્યતન કેથ લેબ બનાવવા જઈ રહી છે તેની સાથે સાથે 10 સુપર સ્પેશિયાલીટી સારવાર માટે પણ સુવિધા ઉભી કરવા પણ આયોજન કરી રહી છે.
સુરત પાલિકાની સ્મીમેર હોસ્પિટલ સુરત શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે ઘણી જ ઉપયોગી બની રહી છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે તેવી જ સારવાર લોકોને ઘણાં જ રાહત દરે સ્મીમેર હોસ્પિટલમાં મળી રહી છે. સ્મીમેર હોસ્પિટલનો લાભ શહેરની ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને વધુ મળે તે માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
હાલમાં શહેરમાં હૃદય રોગનું પ્રમાણ વધી રહ્યું છે અને ખાનગી હોસ્પિટલોમાં આ સારવાર ઘણી જ મોંઘી થઈ રહી છે. જેના કારણે સુરત પાલિકાએ પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 10 કરોડના ખર્ચે અદ્યતન કેથ લેબ સુવિધા શરુ કરવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રકારની સુવિધા સ્મીમેર હોસ્પિટલમાં ઉભી કરવાથી હૃદયની વિવિધ બીમારીઓ,હૃદયનો હુમલો, હ્રદયની અનિયમિત ગતિ, હૃદય ની નસ બ્લોક હોય તેવાં દર્દીઓ, હૃદયના વાલ્વની બીમારી ના દર્દીઓ ને સારવાર તથા એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી સારવાર આપી શકાશે.
આ ઉપરાંત આગામી દિવસોમાં સ્મીમેર હોસ્પિટલમાં 10 સુપર સ્પેશિયાલીટી સારવાર શરુ થાય તે માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. મેડીસીન વિભાગમાં -યુરોલોજી, ગેસ્ટ્રોએન્ટરોલોજી, એન્ડોક્રાઈનોલોજી, કલીનીકલ હિમેટોલોજી, ઓન્કોલોજી, કાર્ડિયોલોજી નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સર્જરી વિભાગમાં ન્યુરોસર્જરી, ઓન્કો સર્જરી, પીડીયાટ્રીક સર્જરી, યુરોલોજી ની સારવાર પણ થશે. ઉપરાંત મેડિસીન વિભાગમાં સુપર સ્પેશિયાલીટી કોર્સ અને સર્વિસીસ પૈકી નેફ્રોલોજી તેમજ સર્જરી વિભાગ માં પ્લાસ્ટિક સર્જરી મળી કુલ-2 કુલ ફેલેજ સુપર સ્પેશિયાલીટી કોર્સ અને સારવાર શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સ્મીમેર હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજી વાળા સીટીસ્કેન અને એમ આર આઈ મશીન સૌપ્રથમ વાર સી.એસ.આર હેઠળ ૨૦ કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવી દર્દીઓને ઓછા દરે સીટીસ્કેન અને એમ.આર.આઈ. ની સુવિધા ઉપલબ્ધ કરાશે.