સુરતમાં ગાર્ડન વેસ્ટનો જાહેર રોડ પર ઢગલો : વાહન ચાલકોને હાલાકી, પાલીકાના કોન્ટ્રાક્ટરોની કામગીરીમાં વેઠ
Surat Corporation News : સુરત મહાનગરપાલિકાની નબળી કામગીરીને કારણે કોન્ટ્રાક્ટરો કામગીરીમાં વેઠ ઉતારી રહ્યા છે. પાલિકાના રાંદેર ઝોનમાં ગાર્ડન વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ઉગત કેનાલ રોડ પર ડિમોલિશન અને કન્સ્ટ્રક્શન વેસ્ટનો પ્લોટ ફાળવવામાં આવ્યો છે પરંતુ તેમાં હાલ ગાર્ડન વેસ્ટના ઢગલા કરવામાં આવી રહ્યા છે. આ વેસ્ટ એટલો બધો થયો છે કે દિવાલ તૂટી ગઈ છે અને રસ્તા પર વેસ્ટ પ્રસરી રહ્યો છે. પાલિકા તંત્ર પૂરતું ધ્યાન ન આપતા હોવાથી કોન્ટ્રાક્ટરોની કામગીરી નબળી જોવા મળી રહી છે.
સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પસ્તાળ પર રહી છે. પ્રિ-મોન્સૂનની નબળી કામગીરીને કારણે સામાન્ય વરસાદમાં પણ અનેક જગ્યાએ પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આ ઉપરાંત રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવતા અનેક જગ્યાએ રોડ બેસી જવાના અને ભુવા પડવાના બનાવ બની રહ્યા છે. પાલિકાની આ કામગીરી નબળી હોવાની સાથે હવે અન્ય કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સુરત પાલિકાના રાનેર ઝોનમાં ગાર્ડન વેસ્ટ ઉપાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ વેસ્ટ ભેગો કરીને ઉગત કેનાલ રોડ પર પાલિકાના એક પ્લોટમાં ભેગો કરવામાં આવી રહ્યો છે. આ પહેલા આ સાઇટ પર ડિમોલિશન અને કન્સ્ટ્રક્શન વેસ્ટ ભેગો કરવામાં આવતો હતો. પરંતુ હાલમાં અહીં ગાર્ડન વેસ્ટ ભેગો કરવામાં આવી રહ્યો છે. પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરની કામગીરી પર નજર રાખતા ન હોવાથી કોન્ટ્રાક્ટરે આડેધડ વેસ્ટનો નિકાલ શરૂ કરી દીધો છે. પ્લોટ આખો ભરાઈ ગયો છે તેને કારણે પ્લોટમાં બનાવેલી દિવાલ પણ તૂટી ગઈ છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા વેસ્ટનો ઢગલો કરવામાં આવી રહ્યો છે તે રોડ પર હવે આવી ગયો છે. અડધો રોડ ગાર્ડન વેસ્ટ થી ભરાઈ ગયો છે જેને કારણે અહીં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. જો વાહન ચાલકોની જરા સરખી પણ ભૂલ થાય તો આ ગાર્ડન વેસ્ટમાં અકસ્માત થાય તેવી શક્યતા રહેલી છે. પાલિકા તંત્ર જો આ ગાર્ડનનો નિકાલ યોગ્ય નહીં કરાવે તો અકસ્માતમાં કોઈનો જીવ જાય તેવી ભીતિ છે.