સુરત: બાઇક પરત આપવા અને દારૂના ખોટા કેસની ધમકી આપનાર હે. કોન્સ્ટેબલ એસીબીમાં ઝડપાયો
- લસકાણા પોલીસ ચોકીની સામે લાંચ સ્વીકારી
અગાઉ દારૂના કેસમાં ઝડપાયો ત્યારે બાઇક જમા લીધી હતી, બાઇક છોડાવવા આવ્યો તો ખોટો કેસ કરવાની ધમકી આપી, હે. કો નો સાથીદારને વોન્ટેડ જાહેર કર્યો
સુરત, તા. 14 નવેમ્બર 2021 રવિવાર
અગાઉ દારૂના કેસમાં ઝડપાયેલા યુવાનની બાઇક પરત આપવા અને દારૂનો ખોટો કેસ નહીં કરવાની ધમકી આપી લાંચ પેટે 5 હજાર રૂપિયા લેતા સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હે.કોન્સ્ટેબલને એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પાડયો છે. જયારે તેના સાથીદાર ખાનગી વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે.
સરથાણા પોલીસ સ્ટેશનમાં અગાઉ દારૂના કેસમાં ઝડપાયેલા યુવાન પાસેથી પોલીસે બાઇક કબ્જે લીધી હતી. આ બાઇક પોલીસ સ્ટેશનમાંથી છોડાવવા માટે યુવાન પ્રયત્ન કરી રહ્યો હતો. તે યુવાનનો પરિચય રધુ ગલાણી નામના વ્યક્તિ સાથે થયો હતો અને તેણે સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હે.કો શક્તિદાન દાજીદાન ગઢવીને લાંચ પેટે 10 હજાર રૂપિયા આપશે તો બાઇક પરત અપાવશે અને કેસ પણ નહીં કરશે તેવી ખાત્રી આપી હતી.
જો કે યુવાન લાંચ પેટે 5 હજાર રૂપિયા આપવાની તૈયારી બતાવી એસીબીનો સંર્પક કર્યો હતો. એસીબીએ ગત રોજ છટકું ગોઠવી સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા પોલીસ ચોકી નજીક હો. કો શક્તિદાનને લાંચ પેટે 5 હજાર રૂપિયા સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયો હતો. એસીબીએ રધુભાઇ ગલાણીને વોન્ટેડ જાહેર કરી લાંચ પેટે સ્વીકારેલા રોકડા 5 હજાર રૂપિયા કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.