સુરત પાલિકાની અડધો ડઝન જેટલી સ્કૂલમાં એડમિશન માટે પડાપડી
Image: Facebook
નબળા શિક્ષણના કારણે સતત વિવાદોમાં રહેતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક સ્કૂલો ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારી રહી છે. સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અડધો ડઝન જેટલી સ્કૂલ એવી છે કે જેમાં ખાનગી શાળાઓની જેમ એડમિશન હાઉસફુલ થઈ જતાં વેઇટિંગ લિસ્ટ બનાવવાની ફરજ પડી રહી છે. પ્રાથમિક શાળાની જેમ જ પાલિકાએ શરુ કરેલી માધ્યમિક વિભાગ ( સુમન સ્કુલ)માં પણ પ્રવેશ માટે પડાપડી થઈ રહી છે. પ્રાથમિક શિક્ષણની જેમ ધોરણ 9 અને ધો 11માં પણ પ્રવેશ માટે વેઇટિંગ લિસ્ટ બનાવવાની ફરજ પડી છે.
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ધ્વારા ૩૫૮ શાળા તથા સુમન સેલ ધ્વારા ૨૩ માધ્યમિક શાળાઓનું સંચાલન કરવામાં આવે છે. આ શાળા દ્વારા ગુણવત્તા સભર અભ્યાસ તથા અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. શિક્ષણનું સ્તર સુધારવા સાથે પાલિકાએ સ્માર્ટ શાળા બનાવવાનું પણ શરૂ કર્યું હોવાથી પાલિકા સંચાલિત શાળામાં પ્રવેશ મેળવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધસારો જોવા મળ્યો છે. સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાત જેટલી સ્કૂલ એવી છે જેમાં પ્રવેશ હાઉસફુલ થઈ ગયાં છે અને હાલમાં 2689 વિદ્યાર્થીઓનું વેઈટિંગ લિસ્ટ બનાવવામા આવ્યું છે. જેમાં બાલવાટિકામાં ૬૫ર, ધોરણ-૧ માં ૭૭૬, ધોરણ-૨ માં ૪૨, ધોરણ-૩ માં ૨૪૪, ધોરણ-૪ માં ૩૬૪, ધોરણ-૫ માં ૧૮૨, ધોરણ-૬ માં ૧૦૮, ધોરણ-૭ માં ૧૦૫ અને ધોરણ-૮ માં ૨૨ વિદ્યાર્થીઓનું એડમીશન માટે વેઇટિંગમાં છે.
આવી જ રીતે પાલિકા સંચાલિત સમુન સ્કુલમા ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે રાહ જોઈ રહ્યાં છે. સમુન સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા હાઉસ ફુલ થઈ જતાં ધોરણ 9માં 2977 અને ધોરણ 11માં 1011 વિદ્યાર્થીઓ વેઈટિંગ લિસ્ટમાં છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે-તે વિસ્તારમાં વેઇટિંગ ને ધ્યાને લઈ ઉપલબ્ધ વર્ગો ખંડોની કેપેસીટી મુજબ મહત્તમ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુમન સ્કુલના વિદ્યાર્થીઓ બોર્ડમાં ટોપ ટેન મા આવી રહ્યા હોય એડમીશન માટે પડાપડી
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ખાનગી શાળા જેવી સુવિધા અને શિક્ષણ આપી રહી છે ત્યાર બાદ હવે સુરત પાલિકા સંચાલિત માધ્યમિક શાળાઓ પણ ખાનગી શાળાઓની હરીફાઈ થઈ રહી છે. પાલિકાની પ્રાથમિક શાળાની જેમ હવે ધોરણ -9માં પણ વિદ્યાર્થીઓના એડમીશન માટે સુમન સ્કૂલ માં પડાપડી થઈ રહી છે. . સુરત પાલિકા ધોરણ 9 માં જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે એટલી જ સંખ્યામાં વિદ્યાર્થીઓની વેઇટિંગ લિસ્ટમાં જોવ મળે છે.
બોર્ડના પરિણામમાં સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલ ના પરિણામ ખાનગી સ્કૂલ જેવા આવી રહ્યા છે. ધોરણ 10 અને 12માં પાલિકાની સ્કુલના પરિણામ 95 ટકાની આસપાસ છે અને પાલિકાની સ્કુલના વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં આવી રહ્યા છે. પાલિકા સંચાલિત સુમન સ્કુલના શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે અને તેના કારણે પાલિકાની સ્કુલમાં ધોરણ 9 માં પ્રવેશ માટે પડાપડી થઇ રહી છે.
પાલિકાની સુમન સ્કૂલ માં દિકરીઓ પાસે કોઈ ફી વસુલવામાં આવતી નથી
સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલ માં પ્રવેશ માટે પડાપડી થઈ રહી છે. સુરત પાલિકા સંચાલિત માધ્યમિક વિભાગની સ્કૂલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે પહેલી પસંદ બની રહી છે તેનું કારણ એ છે કે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ નજીવી ફી થી અભ્યાસ કરે છે અને પાલિકા દ્વારા તેમને શિષ્યવૃત્તિ મળે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે.
સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલ માં છોકરાઓ પાસે માત્ર 200 રૂપિયાની ફી વસુલવામાં આવે છે જ્યારે છોકરીઓ પાસે અભ્યાસ માટે કોઈ ફી વસુલવામાં આવતા નથી. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે તે માટે શાળાના શિક્ષકો અને પાલિકા તંત્ર દ્વારા એપ્રોચ કરવામા આવે છે તેમાથી પણ અનેક બાળકોને શિષ્યવૃત્તિ મળી રહી છે. દિકરીઓને વિના મૂલ્યે અને દિકરાઓને નજીવી ફી લઈ શિક્ષણ અપાતું હોય પાલિકાની સ્કુલ ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે મોટી રાહત લઈને આવી રહી છે.