સુરતમાં પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના જ્ઞાન સહાયકોને એપ્રિલ માસનો પગાર પણ હજુ મળ્યો નથી , વેકેશનમાં ગ્રાન્ટના અભાવે શોષણ
Surat Corporation School : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે મુકવામાં આવેલા જ્ઞાન સહાયકો પાસે કામ તો કરાવવામાં આવે છે પરંતુ હજુ સુધી એપ્રિલ મહિનાની કામગીરીનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે જ્ઞાન સહાયકોને પગાર નહી ચુકવાતા જ્ઞાન સહાયક શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લાંબા સમયથી શિક્ષકોની ઘટ હોવાની ફરિયાદ લાંબા સમયથી હતી. વિપક્ષ દ્વારા વારંવારની માંગણી બાદ પાલિકા અને સરકાર દ્વારા શિક્ષકોની ઘટ પુરી કરવા માટે હાલમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે. આ શિક્ષકોને ફિક્સ પગાર આપવામાં આવી રહ્યો છે તે ઘણો ઓછો હોવાની પણ ફરિયાદ થઈ રહી છે. આ જ્ઞાન સહાય કોની નિમણુંક થઈ ત્યારથી અત્યાર સુધી આ શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યાં છે પરંતુ તેના બદલામાં તેમને નિયમિત પગાર આપવામાં આવે છે તેના કારણે તેઓની હાલત કફોડી થઈ રહી છે.
હાલમાં વેકેશન ચાલતું હોય અન્ય શિક્ષકોની જેમ જ્ઞાન સહાયકો પણ પરિવાર સાથે બહાર જવા તૈયાર છે. પરંતુ આ જ્ઞાન સહાયકોએ એપ્રિલ માસમાં કામગીરી કરી છે તેનો પગાર હજી પણ થયો નથી. જેના કારણે આ શિક્ષકોની હાલત કફોડી થઈ ગઈ છે. એપ્રિલ અને મે મહિનાનો પગાર ત્વરિત મળે અને હવે પછી પગાર નિયમિત થાય તેવી માગણી શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે.