ચૈત્ર નવરાત્રીની સાથે સુરતમાં થશે ગુડીપડવા અને ચેટી ચાંદની ઉજવણી
- ગુડી પડવાના દિવસે લીમડાના રસ પીવાનું ખૂબ મહત્વ
- સુરતમાં પાંચ લાખ થી વધુ લીમડાના વૃક્ષો : અડાજણ થી રાંદેર વિસ્તારમાં સોથી વધુ લીમડાના વૃક્ષો, નીમ-વે તરીકે ઓળખાય છે આ રસ્તો
સુરત,તા.21 માર્ચ 2023,મંગળવાર
માતાજીના પાવન પર્વ ચેત્ર નવરાત્રી એક દિવસ બાદ શરૂઆત થવા જઈ રહી છે. તમામ માતાજીના મંદિરોમાં ચેત્ર નવરાત્રીને લઈને શણગાર તેમજ અન્ય તૈયારીઓ થઈ ચૂકી છે. ચૈત્ર નવરાત્રીની સાથે જ મહારાષ્ટ્રીયન લોકો પોતાના નવા વરસ ગુડીપડવા અને સિંધી લોકો ચેટીચાંદની ઉજવણી કરશે. ગુડી પડવાના દિવસે લીમડાના રસ પીવાનું ખૂબ મહત્વ રહેલું છે. કહેવાય છે કે લીમડાનો રસ પીવાથી બારેમાસ નીરોગી રહેવાય છે.
ચૈત્ર સુદ એકમ એટલે ગુડીપડવો અને ચેત્ર સુદ એકમ એટલે મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. ગુડીપડવાની પાછળ એક દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર-ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે હિંદુઓ કોઇ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. એ દૃષ્ટિએ વર્ષના કેટલાંક દિવસો વણજોયા મુહૂર્ત તરીકે કે સાડા ત્રણ મુહૂર્ત જાણીતા છે. ગુડી પડવાનો દિવસ આ સાડાત્રણ મુહૂર્ત પૈકીનો એક છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે. અને નવું પંચાંગ પણ શરૂ થાય છે.
મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે.
સિંધી લોકો દ્વારા ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવેછે. આ દિવસ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને સિંધીઓ ‘સિંધીયત જો ડીંહું (દિવસ) ચેટીચંડ’ અથવા 'સિંધી દિન' તરીકે ઉજવે છે. આ દિવસે તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલની ‘ઝૂલેલાલ બહરાણો સાહબ’ સ્વરૂપે શાહી સરઘસ કાઢવામાં આવે છે. આ સરઘસમાં સિંધીઓ ‘ઝૂલેલાલ બેડાપાર’ના નારા લગાવે છે. આ દિવસે ઘણા સિંધીઓ બાહરાના સાહેબને નજીકની નદી કે તળાવે લઈ જાય છે. બાહરાના સાહેબમાં એક જ્યોત, મીસરી, એલચી, ફળો અને અખા હોય છે. તેની પાછળ કળશમાં પાણી અને એક નાળિયેર હોય છે. આ બધી વસ્તુઓને કાપડ, ફૂલ ને પાંદડાથી ઢાંકી દેવાય છે. આ સાથે ઘણી વખત ઝૂલેલાલની મૂર્તિ પણ હોય છે.
ગુડી પડવા ના દિવસે લીમડાનો રસ પીવાનું મહત્વ છે.સમગ્ર ચૈત્ર મહિના દરમિયાન લોકો લીમડાનો રસ પીવાનું શુભ માને છે.લીમડાના વૃક્ષ ને ધરતી પર નું કલ્પવૃક્ષ ગણવામાં આવે છે.આખો મહિનો લીમડાનો રસ પીવાથી આખું વરસ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
સુરત મનપા દ્વારા સૌથી વધુ લીમડાનાં વૃક્ષો રોપવામાં આવ્યા છે. સુરતના તમામ વિસ્તારોમાંથી અડાજણ થી રાંદેર રોડ પર લીમડાના સોથી વધુ વૃક્ષો છે. અને તેથી તેને નીમ વે પણ કહેવામાં આવે છે. સુરત શહેરમાં માત્ર લીમડાના વૃક્ષોની સંખ્યા 500000 જેટલી છે. અને હજુ પણ મનપાના ગાર્ડન વિભાગ દ્વારાં લીમડાના વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે.