નર્મદ યુનિવર્સિટીમાં "શ્રી રામોત્સવ" અંતર્ગત 45000 વિદ્યાર્થીઓ સાથે ભવ્ય રામ રથયાત્રા

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
નર્મદ યુનિવર્સિટીમાં "શ્રી રામોત્સવ" અંતર્ગત 45000 વિદ્યાર્થીઓ સાથે ભવ્ય રામ રથયાત્રા 1 - image

સુરત,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર

રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષ્યમાં આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા "શ્રી રામોત્સવ" અંતર્ગત 8:30 કલાકે ભવ્ય રામ રથયાત્રા યોજાઈ હતી. આ રામ રથયાત્રાનું પ્રસ્થાન યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા અને કુલસચિવ ડો.રમેશદાન ગઢવી દ્વારા કરાવવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામ નામના જયઘોષ સાથે શરૂ થયેલી આ ભવ્ય રામરથ યાત્રામાં યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને 29 કોલેજના અંદાજીત 45000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

નર્મદ યુનિવર્સિટીમાં "શ્રી રામોત્સવ" અંતર્ગત 45000 વિદ્યાર્થીઓ સાથે ભવ્ય રામ રથયાત્રા 2 - image

આ રામ રથયાત્રા વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કન્વેન્શન હોલ થી શરૂ કરવામાં આવી હતી અને અણુવ્રત દ્વાર, સિટી લાઈટ ટાઉનશીપ, સરગમ શોપિંગ સેન્ટર, જાની ફરસાણ, સાયન્સ સેન્ટર થી અણુવ્રત દ્વાર ફરી વિશ્વવિદ્યાલયના કન્વેશન હોલ ખાતે જ સમાપન કરવામાં આવી હતી. આ રામ રથયાત્રામાં વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી રામ, માતા સિતા, લક્ષ્મણ જી અને હનુમાનજીની રૂપ વેશભૂષા ધારણ કરી હતી. સેંકડો વિદ્યાર્થીઓના સમૂહ ભગવાન શ્રીરામના ગીત અને ભજન પર ઝૂમતા-ગાતા રથ યાત્રાની શોભા ચાર ગણી કરી રહ્યા હતા. સમગ્ર રથયાત્રા દરમિયાન તેઓ ભગવાન શ્રી રામના જયકારા કરતા જોવા મળ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ વિદ્યાલય દ્વારા અલગ અલગ કમિટી બનાવવામાં આવી હતી. આ દરેક કમિટીના સભ્યોની અથાગ મહેનતને કારણે પણ વિશ્વવિદ્યાલય ખાતે 16 જાન્યુઆરી, 2024 થી 22 જાન્યુઆરી, 2024 સુધી યોજાયેલ "શ્રીરામોત્સવ" કાર્યક્રમ સફળ રહ્યો હતો.


Google NewsGoogle News