Get The App

સુરત: લાલ દરવાજા પર મુકાયેલો સરકારી હોર્ડિંગ્સ વાહનચાલકો માટે આફતરૂપ

- દિલ્હીથી લાલ દરવાજા તરફ આવતા અને રામજી મંદિરથી લાલ દરવાજા તરફ જતા વાહન ચાલકો એકબીજાને જોઇ નથી શકતા

Updated: Nov 19th, 2021


Google NewsGoogle News
સુરત: લાલ દરવાજા પર મુકાયેલો સરકારી હોર્ડિંગ્સ વાહનચાલકો માટે આફતરૂપ 1 - image


સુરત, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર

સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં સરકારી જાહેરાતનું મુકાયેલું હોર્ડિંગ વાહનચાલકો માટે આફતરૂપ બની રહ્યું છે. સર્કલ પર મુકાયેલા આ હોર્ડિંગ્સને કારણે કેટલાક અકસ્માત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત આ હોર્ડિંગ્સને કારણે સતત અકસ્માતની ભીતિ રહેલી છે. લોકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ આ હોર્ડિંગ્સ ન હટાવાતા વાહનચાલકોની મુશ્કેલી વધી રહી છે.

ભારત સરકાર દ્વારા હાલ આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યો છે. આ કાર્યક્રમની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા શહેરમાં અનેક હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સને કારણે લોકો સુધી માહિતી તો પહોંચી રહી છે પરંતુ લાલ દરવાજા ખાતે મૂકેલું એક હોર્ડિંગ્સ વાહનચાલકો માટે આફતરૂપ બની ગયું છે. લાલ દરવાજા ખાતે ત્રણ રસ્તા ભેગા થાય છે તે જગ્યાએ જ મસમોટું હોર્ડિંગ્સ મૂકી દેવામાં આવ્યું છે.

આ હોર્ડિંગ્સ એવી રીતે મુકાયું છે કે દિલ્હી ગેટ થી લાલ દરવાજા તરફ આવતા વાહન ચાલકોને સામેથી આવતા વાહનો જોઈ શકાતા નથી. આવી જ રીતે રામજી મંદિરથી લાલ દરવાજા તરફ જતા લોકો પણ સામેથી આવતા વાહનો જોઈ શકતા નથી. જેના કારણે આ જગ્યાએ એક નાનકડો અકસ્માત પણ થયો છે. 

આ અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા હોર્ડિંગ્સ વાહનચાલકો માટે જોખમી હોવાની રજૂઆત કરવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા આ હોર્ડિંગ હજી સુધી દૂર કરવામાં આવ્યો નથી. જેને કારણે લાલ દરવાજા સર્કલ પર સતત અકસ્માતનો ભય રહ્યો છે. જો પાલિકા તંત્ર આ હોર્ડિંગ્સ દૂર ન કરે તો આ જગ્યાએ ગંભીર અકસ્માત થવાની શક્યતા નકારી શકાતી નથી.


Google NewsGoogle News