Get The App

સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં લોકો દ્વારા જાહેરમાં નાંખવામાં આવેલા કચરામાં લાગી આગ : ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં કોર્પોરેટરોએ ઠાલવ્યો આક્રોશ

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં લોકો દ્વારા જાહેરમાં નાંખવામાં આવેલા કચરામાં લાગી આગ : ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં કોર્પોરેટરોએ ઠાલવ્યો આક્રોશ 1 - image


Surat Fire in Garbage : સુરત પાલિકાના વરાછાએ ઝોનમાં મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની મળેલી બેઠકમાં વિપક્ષના કોર્પોરેટરોના હોબાળા બાદ આજે પાલિકાના કતારગામ ઝોનમાં મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં શાસક પક્ષના કોર્પોરેટરોએ પાલિકાની કામગીરી સામે આક્રોશ ઠાલવ્યો હતો. પાલિકા કુદરતી આપત્તિ સામે લડવા માટે આયોજન કરી રહી છે. પરંતુ પાલિકા અને લોકોએ ઉભી કરેલી સ્થિતિ સામે લડવા કોઈ આયોજન કર્યું નથી. પાલિકાએ કન્ટેનર હટાવ્યા બાદ પણ લોકો તે જગ્યાએ કચરો નાખી રહ્યા છે તે પાલિકા અટકાવી શકતી નથી. જેના કારણે જેના કારણે કતારગામ ઝોન વિસ્તારમાં લોકો દ્વારા જાહેરમાં નાંખવામાં આવેલા કચરામાં આગ લાગી ફાયર બોલાવવી પડી રહી છે તે ઘણી જ ગંભીર બાબત છે.

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી તેમાં કોર્પોરેટર ચીમન પટેલે અનેક ગંભીર પ્રશ્ન ઉઠાવી પાલિકાની કામગીરી નબળી હોવાની વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં ડભોલી બીઆરટીએસ રૂટની બાજુમાં શ્યામદર્શન સોસાયટી આવી છે તેમાં એક પ્લોટમાં ખાડો છે તેમાં લોકો કચરો નાખી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભેગા થયેલા આ કચરામાં આગ લાગી હતી. આગ એટલી મોટી હતી કે લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી અને 4 ફાયર ફાઈટરની કામગીરી બાદ આગ બુઝાવી હતી. આ જગ્યાએ કચરો નાખતો અટકાવવા અને નાખાર સામે પગલાં ભરવા રજૂઆત કરી હતી પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

આવામાં હાલમાં પંડોળના ટીપી રોડ પર ઇલેક્ટ્રિક ડી.પીની બરાબર બાજુમાં લોકો કચરો નાખી રહ્યા છે. તેને અટકાવવ માટે ફરિયાદ કરી હતી પરંતુ કામગીરી થાય તે પહેલાં તેમાં કોઈએ આગ લગાવી હતી અને આગ પ્રસરવા લાગી હતી. જેના કારણે ડીપીમાં પણ આગ લાગે તેવી શક્યતા હતી. જોકે, ફાયરની ગાડી આવી જતાં આગ કંટ્રોલમાં આવી ગઈ હતી અને મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ હતી. 

કોર્પોરેટર ચીમન પટેલે કહ્યું કે આપણે કુદરતી આફત સામે લડવાની વાત કરીએ છીએ પરંતુ લોકો અને પાલિકાએ જે હાલત ઉભી કરી છે તેની સામે પણ લડવા આયોજન કરવું જોઈએ. જાહેરમાં ફેંકાતો કચરો દુર કરવા તથા લોકોને અટકાવવા માટે પગલાં ભરવા જોઈએ તે પગલા ભરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે અને તેના કારણે મોટી હોનારત થઈ શકે છે. તેથી આકરા પગલાં ભરવા માંગણી કરી હતી.


Google NewsGoogle News