સુરતના રસ્તા પર ટ્રાફિકની વચ્ચે લોકો માટે આફતરૂપ બની દોડતી કચરા ગાડી
- પાલિકાના કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ નિયમો બાજુએ રાખી કામ કરતાં કોન્ટ્રાક્ટરો
- કચરા ગાડી પર કચરો ભરીને લટકાવેલા કોથળામાંથી કચરો તો ક્યારેક આખા કોથળા જ રસ્તા પર પડી જતા વાહન ચાલકોને માથે અકસ્માતનું જોખમ
સુરત,તા.22 ફેબ્રુઆરી 2023,બુધવાર
સુરત મહાનગરપાલિકાએ કચરા ઉલેચવા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી ચોક્કસ નિયમો સાથે કોન્ટ્રાક્ટ પર આપી છે. પરંતુ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ આ કોન્ટ્રાક્ટરો પાલિકાએ બનાવેલા નિયમોને નેવે મુકી લોકો માટે આફત ઉભી કરી રહ્યા છે. સુરતના રસ્તા પર કચરો વહન કરતાં વાહનોમાં એક કરતાં વધુ કચરા ભરેલા કોથળા લટકાવી શહેરમાં ફરી રહ્યાં છે. ઘણી વાર કચરા ગાડી પર કચરો ભરીને લટકાવેલા કોથળામાંથી કચરો તો ક્યારેક આખા કોથળા જ રસ્તા પર પડી જતા વાહન ચાલકોને માથે અકસ્માતનું જોખમ રહેલું છે. આવી સંખ્યાબંધ ફરિયાદ છતાં તંત્ર માત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં ભરાતા લોકોને માથે આવી ગાડી ને કારણે અકસ્માતનું જોખમ રહેલું છે.
સુરત મહાનગર પાલિકાએ સ્વચ્છતામાં અગ્રેસર રહેવા માટે લોકોના ઘરે ઘરેથી કચરો ઉલેચવા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી કોન્ટ્રાક્ટ પર આપવામા આવી છે. પાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો તે પહેલાં ગાડીની નિયમિતતા સાથે ગાડી પર કોથળા લટકાવવા નહી તે ઉપરાંત અનેક શરત રાખવામાં આવી છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા પાલિકાએ બનાવેલા નિયમોના ધજાગરા ઉડાવી દેવામાં આવ્યા છે.
શહેરમાંથી કચરો ઉલેચતી મોટા ભાગની ગાડીઓ પર પ્લાસ્ટીકનો ભંગાર ભરેલા કોથળા લટકેલા જોવા મળે છે. ગણી વાર આ કોથળામાંથી કચરો રસ્તા પર પડે છે તો કેટલીક વાર કચરો ભરેલા આખેઆખા કોથળા જ ભર ટ્રાફિકમાં પડી જાય છે. જેના કારણે પસાર થતા વાહનો અકસ્માતનો ભોગ બને તેવી ભીતિ છે. ગણી વાર આ કચરાના કારણે અકસ્માત પણ થયાં છે.
પાલિકાએ નિયમ બનાવ્યા છતાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ગાડી પર કોથળા લટકાવવામા આવી રહ્યા છે. પ્લાસ્ટિક ભંગાર વેચીને રોકડી કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી આ પ્રકારની કામગીરી સુરતીઓ માટે જોખમરૂપ બની રહી છે. આવી કોઈ ફરિયાદ આવે તો પાલિકા કોન્ટ્રાક્ટર પાસે પેનલ્ટી વસૂલ કરે છે તેમ છતાં આ કોથળા નું દુષણ કાયમી ધોરણે બંધ થતું ન હોવાથી લોકોમાં સતત અકસ્માતનો ભય રહેલો છે.