વિદેશમાં ગણેશ ઉત્સવની પૂજા અર્ચના માટે કર્મકાંડી પંડિતની ગરજ સારી રહ્યું છે સોશિયલ મીડિયા

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
વિદેશમાં ગણેશ ઉત્સવની પૂજા અર્ચના માટે કર્મકાંડી પંડિતની ગરજ સારી રહ્યું છે સોશિયલ મીડિયા 1 - image


- કોઈ વિડિયો કોલિંગ થી તો કોઈ યુ ટ્યુબના વિડીયોના માધ્યમથી કરે છે પૂજા

- વિદેશમાં રહેતા યંગસ્ટર્સમાં ભારતીય તહેવારોની ઉજવણીનો ટ્રેન્ડ વધી રહ્યો છે, કેનેડા, શારજહા જેવા દેશોમાં અહીથી પ્રતિમા પ્લેન મારફતે લઈને યંગસ્ટર્સ પહોંચ્યા

સુરત,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર 

ભારતમાં યંગસ્ટર્સ ગણેશ ઉત્સવમાં ફિલ્મી ગીતો વગાડી રહ્યા છે જ્યારે બીજી તરફ વિદેશમાં રહેતા ભારતીયો પરંપરાગત રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં અભ્યાસ કે નોકરી ધંધા માટે ગયેલા યંગસ્ટર્સમાં ભારતીય તહેવારોની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. જોકે, વિદેશમાં ગણેશજીની પુજા અર્ચના માટે કર્મકાંડી બ્રાહ્મણની અછત છે. તેથી વિદેશમાં ગણેશ ઉત્સવની પૂજા અર્ચના માટે કર્મકાંડી પંડિતની ગરજ  સોશિયલ મીડિયા સારી રહ્યું છે. કોઈ વિડિયો કોલિંગથી તો કોઈ યુ ટ્યુબના વિડિયોના માધ્યમથી બાપ્પાની પૂજા કરી રહ્યાં છે. 

ગુજરાતના વિવિધ શહેરો અને ભારતના વિવિધ રાજ્યોમાંથી વિદેશમાં અનેક લોકો નોકરી ધંધા અર્થે સ્થાયી થયા છે અને મોટી સંખ્યામાં યંગસ્ટર્સ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા છે. જોકે, આ યંગસ્ટર્સ વિદેશમાં રહેતા હોવાથી પશ્ચિમી સંસ્કૃતિ થી દુર રહીને ભારતીય સંસ્કૃતિ અપનાવી રહ્યા છે અને હિન્દુઓના દરેક તહેવારની ઉજવણી શ્રધ્ધા પૂર્વક કરી રહ્યાં છે. પૂજા પાઠ થાય છે તેવા ગણેશ ઉત્સવ જેવા તહેવારોની ઉજવણીમાં પૂજા માટે કર્મકાંડી બ્રાહ્મણ મળતા નથી પરંતુ પરંપરાગત રીતે પૂજા કરવા માટેનો તોડ યંગસ્ટર્સે શોધી કાઢ્યો છે.

વિદેશમાં ગણેશ ઉત્સવની પૂજા અર્ચના માટે કર્મકાંડી પંડિતની ગરજ સારી રહ્યું છે સોશિયલ મીડિયા 2 - image

ઈન્ટરનેટના જમાનામાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેઓ ભારત રહેતા પોતાના સંબંધી કે પૂજા કરાવતા બ્રાહ્મણ સાથે વિડિયો કોલિંગ થી જોડાઈ અને તેઓ સુચન કરે તે મુજબની પૂજા કરીને ગણેશજીની સ્થાપના અને વિસર્જન કરી રહ્યાં છે. જે લોકોને વિડીયો કોલીંગ માટે ભારતમાં સંપર્ક થતો નથી તેવા લોકો યુ ટ્યુબ જેવા માધ્યમો ગણેશ સ્થાપના અને ગણેશ વિસર્જનની પૂજાના વિડીયો જોઈને પૂજા કરે છે. 

ગણેશ ઉત્સવ પહેલા જે લોકો ભારતથી વિદેશ જતા હોય તેવા લોકો પોતાની સાથે પ્લેનમાં શ્રીજીની પ્રતિમા હાથમાં લઈને જાય છે. 

સુરતમાં રહેતા પ્રજ્ઞેશ શાહ અને મોક્ષા શાહ અહીથી કેનેડા-થંડર ગયા ત્યારે શ્રીજીની માટીની પ્રતિમા ખરીદી હતી અને હાથમાં લઈને પ્લેનમાં બેઠા હતા. તેમના માતા-પિતા આર્મેનિયામાં રહે છે તેમના માટે પણ અહીથી પ્રતિમા લઈને ગયા હતા. આવી જ રીતે શારજહામાં રહેતા સુરતના જરીવાલા પરિવારના સભ્યો પણ પ્લેનમાં શ્રીજીની પ્રતિમા લઈને ગયા હતા અને ત્યાં સ્થાપના કરી હતી.

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રહેતા મીલન સોની અને પાર્થ સોની તથા મૂળ સુરતના અને ન્યુઝીલેન્ડમાં રહેતા પાયલ માસ્ટર અને રુષભ માસ્ટર કહે છે, અમારે ત્યાં દર વર્ષે શ્રીજીની સ્થાપના થાય છે પરંતુ પૂજા માટે બ્રાહ્મણ ન હોવાથી અમે વિડીયો કોલીંગ કરીએ છીએ અને ગુજરાતમાં રહેતા અમારા ગોર મહારાજ પાસે વિધિ કરાવી  સ્થાપના અને પૂજા કરીએ છીએ. તો અમદાવાદના ભાર્ગવ પટેલ અને સુનિલ પટેલ કહે છે, અમે યુ ટ્યુબ પર ગણેશજીની સ્થાપના વિધિ વિડિયો પ્લે કરીએ છીએ અને તેમાં જણાવ્યા પ્રમાણે અમે પૂજા કરીએ છીએ. આ પૂજા કરતાં પહેલા અમે અનેક વખત વિડીયો જોઈએ છે તેથી પુજામાં કોઈ ભુલ ન રહે. અહી કર્મકાંડી બ્રાહ્મણ નથી અને અમારે પુજા કરવી છે તેથી ઈન્ટરનેટનું માધ્યમ અમારા માટે ભુદેવની ગરજ સારી રહ્યું છે.


Google NewsGoogle News