ખટોદરામાં ગણેશ પંડાલમાં ટીખળખોરોએ તોડફોડ કરી, મૂર્તિ ખંડિત થતા લોકોમાં રોષ
- લોકોના ટોળા એકઠા થતા પોલીસ દોડી આવી, ફરિયાદનોંધવાની તજવીજ હાથ ધરી
સુરત, તા. 10 સપ્ટેમ્બર 2019 મંગળવાર
ખટોદરા જીઆઇડીસી વિસ્તારના ગણેશ પંડાલમાં રાત્રિ દરમ્યાન ટીખળખોરોએ તોડફોડ કરવાની સાથે મૂર્તિને પણ ખંડિત કરતા ગણેશ ભક્તોની ધાર્મિક લાગણી દુભાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જેને પગલે પોલીસ દોડી આવી હતી.
ખટોદરા જીઆઇડીસી વિસ્તારની મનાલી ડાઇંગ પાસે સ્થાનિક વિસ્તારના રહેવાસીઓએ ગણેશજીની સ્થાપના કરી હતી. ગત રાત્રિ દરમ્યાન કેટલાક ટીખળખોરોએ મંડપમાં ઘુસા જઇ તોડફોડ કરી હતી ઉપરાંત ગણેશજીની મૂર્તિ પણ ખંડિત કરી હતી.
સ્થાનિક લોકોના કહેવા મુજબ ગણેશજીની મોટી મૂર્તિ તો ખંડિત કરી હતી ઉપરાંત ગૌરી ગણેશજીની મૂર્તિ આખી તોડી નાંખી હતી. ઉપરાંત મંડપમાં મુકવામાં આવેલો પૂજાપાઠનો સરસામાન પણ વેરવિખેર કરી નાંખ્યો હતો. સવારે આરતી કરવાના સમયે લોકો એકઠા થયા ત્યારે પંડાલમાં થયેલી તોડફોડ અને મૂર્તિ ખંડિત થયેલી જોઇ ચોંકી ગયા હતા.
આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને ગણેશજીની મૂર્તિ ખંડિત કરનાર અજાણ્યો તત્ત્વો પર રોષ ઠાલવ્યો હતો. ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ગણેશજીની મૂર્તિ ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાવનાર તત્ત્વોને ઝડપી પાડવા પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.