સુરતમાં રહેણાંક સોસાયટીમાં જ વિસર્જનનો ટ્રેન્ડ યથાવત જોવા મળ્યો

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
સુરતમાં રહેણાંક સોસાયટીમાં જ વિસર્જનનો ટ્રેન્ડ યથાવત જોવા મળ્યો 1 - image


- ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રા સોસાયટીમાં જ ફરી અને સોસાયટીમાં જ કરાયું 

- વિસર્જન કોઈએ મોટા તપેલામાં તો કોઈએ પવાલી તો કોઈએ ટબમાં બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરીને તેની માટીનો ઉપયોગ ગાર્ડનમાં ફુલ છોડ ઉગાડવા માટે કર્યો 

સુરત,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

સુરત શહેરમાં આજે ગણેશ વિસર્જનમાં ભારે ધામધુમ જોવા મળી રહી છે.  સાર્વજનિક મંડળોએ પાલિકાના કૃત્રિમ તળાવ કે દરિયામાં વિસર્જન  કર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સુરતની રહેણાંક સોસાયટીમાં જ સ્થાપના અને વિસર્જનનો ટ્રેન્જમાં વધારો જોવા મળ્યો હતો. આ  ટ્રેન્ડ આ વર્ષે પણ યથાવત જોવા  મળ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં જ બાપ્પાની વિસર્જન યાત્રા ઢોલ-નગારા અને ધાર્મિક ઝંડાઓ વચ્ચે નીકળી હતી. ત્યારબાદ ગણેશજીના ભક્તોએ વાજતે ગાજતે સોસાયટીના કેમ્પસમાં જ બાપાની પ્રતિમા નું વિસર્જન કર્યું હતું.

સુરતમાં રહેણાંક સોસાયટીમાં જ વિસર્જનનો ટ્રેન્ડ યથાવત જોવા મળ્યો 2 - image

સુરત શહેરમાં આ વર્ષે 75 હજારથી વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી છે. તેમાં ઘણાં વર્ષોથી માટીની પ્રતિમા માટે જાગૃતિ અભિયાન ચાલતું હોવાથી મોટાભાગના રહેણાંક સોસાયટીમાં પાંચ ફૂટથી નાની પ્રતિમા અને તે પણ માટીની પ્રતિમા હોય તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. આ પહેલાના ગણેશ વિસર્જનમાં  તાપીના ઓવારા કે પાલિકાના કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે જતાં હતા. પરંતુ લોકોમાં છેલ્લા ઘણા સમયથી લોકોમાં આવેલી જાગૃતિના કારણે  સંખ્યાબંધ સોસાયટીના રહીશો પોતાની સોસાયટીમાં જ ગણેશજીની સ્થાપના કરે છે અને વિસર્જન યાત્રા અને વિસર્જન પણ સોસાયટીમાં જ કરી રહ્યાં છે. જેના કારણે તંત્ર પરનું ભારણ પણ ઓછું થઈ રહ્યું છે. 

શહેરની સંખ્યાબંધ સોસાયટીઓમાં આજે સવારે ગણેશજીની પૂજા કર્યા  બાદ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં જ ધામધૂમ પૂર્વક શ્રીજીને વિદાય યાત્રા કાઢી હતી. સોસાયટીઓમાં જ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોઈ ભક્તોએ   મોટા તપેલામાં તો કોઈએ પવાલી તો કોઈએ ટબમાં બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરીને તેની માટીનો ઉપયોગ ગાર્ડનમાં ફુલ છોડ ઉગાડવા માટે કર્યો હતો.


Google NewsGoogle News