સુરતમાં ગણેશ ભક્તોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી : પાલિકાએ બનાવેલા 20 કૃત્રિમ તળાવમાં વિસર્જન પ્રક્રિયા શરૂ
- ગણપતિ બાપ્પા મોરિયા પુઢચ્યા વર્ષી લવકરયા ના નાદ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી
સુરત,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
સુરતમાં દસ દિવસ ભારે શ્રધ્ધા અને ઉત્સાહથી ગણેશ ઉત્સવની ઉજવણી બાદ આજે આનંદ ચૌદશના દિવસે વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ છે. પાંચ ફુટ સુધીની પ્રતિમાનું વિસર્જન પાલિકાએ બનાવેલા 20 કૃત્રિમ તળાવમાં શરૂ કરવામાં આવ્યું છે. દસમાં દિવસે ગણેશ ભક્તોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. કૃત્રિમ તળાવ બહાર ગણપતિ બાપ્પા મોરિયા પુઢચ્યા વર્ષી લવકરયા ના નાદ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી.
સુરતમાં ગણેશ ઉત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. દસમાં દિવસે વહેલી સવારથી જ ગણેશ મંડપમાં બાપ્પાની પૂજા કરીને ઢોલ નગારા સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. સુરત પાલિકાએ ગણેશ વિસર્જન માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં 20 જેટલા કૃત્રિમ તળાવ બનાવ્યા છે જ્યારે ત્રણ જગ્યા દરિયા કિનારે વિસર્જન માટે નક્કી કરવામાં આવી છે.
આજે વહેલી સવારથી જ ગણપતિ બાપ્પા ની વિદાય યાત્રા શરૂ થઈ ગઈ હતી. અનેક ગણેશ મંડળો દ્વારા વહેલી સવારે જ વિસર્જન યાત્રા શરૂ કરવાનો મુડ બનાવી દીધો હતો. જેના કારણે અનેક લારી, ટેમ્પો અને ટ્રકમાં ગણેશજીની પ્રતિમા મુકીને વિસર્જન યાત્રા શરૂ કરવામાં આવી હતી. દસ દિવસ બાપ્પાની શ્રદ્ધા પૂર્વક પૂજા કર્યા બાદ આજે બાપાને ગણેશ ભક્તોએ ભારે હૈયે વિદાય આવી હતી. પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં પાંચ ફુટ સુધીની પ્રતિમા વિસર્જનની કામગીરી શરૂ થઈ હતી. ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપ્પા મોરિયા પુઢચ્યા વર્ષી લવકરયા ના નાદ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી.