ગણેશ સ્થાપના સાથે બાપાના પગલાં પાડવાનો શરૂ થયો ટ્રેન્ડ : શ્રીજીના પગલા સ્થાપના પહેલા પડે એ મનાઈ છે શુભ
- ઘરમાં શ્રીજીની સ્થાપના કરે છે તે આગમન સાથે બાપાના પગલા પડે તેને શુભ માને છે
- કોઈ ગણેશ ભક્તો કંકુનો ઉપયોગ કરી પગલા પાડે તો કોઈ કરોઠીથી, આવી રીતે બાપાના પગલા ઘરમાં પડ્યા હોવાથી બાપાની કૃપા કાયમ રહે તેવી માન્યતા
સુરત,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ઘરમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઘરમાં ગણેશજીની સ્થાપના કરે છે તેવા અનેક પરિવારોમાં બાપાના પગલાં ઘરમાં પાડવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. બાપાના આગમન સાથે કે વિસર્જન પહેલાં ઘણાં ગણેશ ભક્તો પોતાના ઘરમાં ગણેશજી પગલાં પાડતા હોય તેવી રીતે કંકુ કે કરોઠીથી પગલાં પાડે છે. ભક્તોની એવી શ્રદ્ધા છે કે આવી રીતે બાપાના પગલાં પાડવામાં આવે છે તેથી વિસર્જન થાય ત્યાર બાદ પણ ગણેશજીની કૃપા ઘરમાં કાયમ રહે છે.
મહારાષ્ટ્ર બાદ સુરતમાં પણ ગણેશ ઉત્સવને ધામધૂમ અને શ્રદ્ધા પૂર્વક ઉજવવામા આવે છે. સુરતમાં પણ મહારાષ્ટ્રીયન વસ્તી વધુ છે તેઓ મરાઠીમાં ગણેશજીની આરતી કરે છે. મહારાષ્ટ્રીયન સાથે કેટલાક ગુજરાતી ગણેશ ભક્તો એવા છે કે જેઓ ગણેશ આગમન ઘરમાં કરે છે તેની થોડી મીનીટો પહેલાં ગણેશજીના પગલા પાડે છે. કંકુ કે કરોઠીથી નાના બાળકના પગ હોય તેવા આકારમાં પગલા પાડે છે,. ઘરના ઉંમબરાથી બાપાની સ્થાપના કરી હોય તે જગ્યા સુધી આ પગલાં જોવા મળે છે.
આ અંગે ફાલ્ગુની ઘાવડે કહે છે કે બાપાના આગમન પહેલાં આ રીતે પગલાં પાડીને બાપાને આવકારવામાં આવે છે. બાપાનો ઘરમાં હાજરી હોય તે માટે તેમના પગલા પાડવામાં આવે છે તેને શુભ ગણવામાં આવે છે તેથી ઘણા લોકો ઘરમાં શ્રીજીની સ્થાપના કરે છે તેઓ આવી રીતે પગલાં પાડે છે. તો બિજલ ગાંધી કહે છે. દોઢ, અઢી, પાંચ કે દસ દિવસ ઘરમાં બાપાની સ્થાપના કરીએ છીએ એટલે ઘર પવિત્ર થઈ જાય છે. આગમન પહેલા કે બાપાને વિદાય આપી વિસર્જન કરે તે પહેલાં બાપાના પગલાં ઘરમાં પાડવામા આવે છે એવી માન્યતા છે કે આવી રીતે પગલાં પાડવામા આવે તો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યા પછી પણ કાયમ માટે બાપાનો વાસ ઘરમાં રહે છે અને ઘરના વિઘ્નો દુર થાય છે. તેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી બાપાના આગમન કે વિસર્જન સાથે ઘરમાં પગલા પાડવાનો ટ્રેન્ડ ચાલતો આવ્યો છે.