સુરતની સોસાયટીઓમાં રામ જન્મભુમિ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન
- ચુંટણી પહેલાં રામ મંદિર નિર્માણ નિધિ સમપર્ણ અભિયાન સઘન
સુરતના અનેક વિસ્તારમાં ભાજપના માજી કોર્પોરેટરોએ રામ મંદિર નિધિ અભિયાન માટે બેનર લગાવ્યા, ઘરે ઘરે અભિયાન
સુરત, તા. 31 જાન્યુઆરી 2021 રવિવાર
સુરત મહાનગરપાલિકાની ચુંટણીમાં વિકાસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય મુદ્દા સાથે સાથે રામ મંદિરનો મુદ્દો પણ મહત્વનો બની શકે છે. મ્યુનિ.ની ચુંટણી પહેલાં સુરતના રહેણાંક વિસ્તાર અને સોસાયટીઓમાં રામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન પણ જોરશોરમાં શરૂ થઈ ગયું છે. તો કેટલાક વિસ્તારમાં ભાજપના માજી કોર્પોરેટરો દ્વારા મંદિર નિર્માણ નિધિ સમર્પણના બેનર પણ મુકી દેવામાં આવ્યા છે. આમ વિકાસની સાથે સાથે સુરત મ્યુનિ.ની ચુંટણીમાં રામ મંદિરનો મુદ્દો પણ મહત્વનું પરિબળ બની શકે તેવી શક્યતા પ્રબળ થઈ રહી છે.
સુરત મ્યુનિ. સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલાં પ્રદેશ પ્રમુખ, દાવેદારને સાંભળવામાં આવેલા નિરીક્ષકો સહિત ભાજપના નેતાઓ મીશન ઓલ આઉટની તૈયારીમાં પડી ગયાં છે. ભાજપના નેતાઓએ મીશન ઓલ આઉટ માટે મોટા પાયે જાહેરાત કરી દીધી છે અને પેજ કમિટિની કામગીરી વધુ સઘન બનાવી દીધી છે.
જોકે, કોરોના દરમિયાન તંત્ર દ્વારા પ્રજાની કરવામાં આવેલી હેરાનગતિ મીશન ઓલ આઉટમાં રૂકાવટ લાવી શકે તેમ છે તેથી રામ મંદિર નિર્માણ નિધિ સમપર્ણ અભિયાન પણ અચાનક તેજ થઈ રહ્યું છે.
ભાજપના ઉમેદવાદોર માટે દાવેદારીમાં રામ મંદિર કલ્યાણ નિધિમાં કેટલો ફાળો છે તેની વિગત માંગતા ભાજપના ટિકિટ વાંચ્છુકો રામ મંદિર કલ્યાણ નિધિ માટે મહેનત કરતા જોવા મળી રહ્યા છે.
ભાજપના માજી કોર્પોરેટરો તથા અન્ય નેતાઓએ શહેરના રહેણાંક વિસ્તારમા રામ મંદિર કલ્યાણ નિધિ માટેની કામગીરીના બેનર મુકી દીધા છે. તો બીજી તરફ શહેરની રહેણાંક સોસાયટીઓમાં રામ મંદિર નિર્માણ નિધિ સમપર્ણ માટેના બેનર જોવા મળી રહ્યા છે. જેમાં રામ સેવકો ઘરે ઘરે જઈને રાશી સ્વીકારી રહ્યાં છે જેમાં ભાજપના કાર્યકરો પણ જોવા મળી રહ્યાં છે.
સુરત મહાનગરપાલિકાની ચુંટણી પહેલાં જ રામ મંદિર નિર્માણ નિધિ અભિયાન વધુ સઘન બની રહ્યું છે. જેના કારણે ભાજપના વિકાસ અને નરેન્દ્ર મોદી સાથે સાથે રામ મંદિરનો મુદ્દો પણ ચર્ચામાં રહશે અને કોરોના સમયે તંત્રની પ્રજા સાથેની હેરાનગતિના નેગેટિવ મતો ફરી ભાજપ તરફી થઈ શકે તેવી અટકળ થઈ રહી છે.