નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન ભાષાના કોર્સ શરૂ થયા
સુરત,તા.06 ફેબ્રુઆરી 2024,મંગળવાર
વીર નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન ભાષામાં વિદેશી સર્ટિફિકેટ કોર્સ આજથી શરૂ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત દરમ્યાન ટકોર કરતા જ નર્મદ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ વિદેશી ભાષાના સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવાની તજવીજ શરૂ કરી દેવાઈ હતી. વિદ્યાથીઓ પાસે ઓનલાઇન અરજી કરાવ્યા બાદ આજથી ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન ભાષામાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે.
આ અંગે કુલપતિ ડો.કે.એન.ચાવડાના જણાવ્યા મુજબ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમો સંબંધિત ભાષાઓમાં ડિગ્રી, પ્રમાણપત્રો અને નિપુણતા ધરાવતા અનુભવી શિક્ષકો દ્વારા આ સર્ટિફિકેટ કોર્સનું શિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, રશિયન ભાષાઓમાં સવારે 8-10 અને સાંજે 6-8 સુધીના ક્લાસ, VNSGUના અંગ્રેજી વિભાગ ખાતે શરૂ કરાયા છે. આ સર્ટિફિકેટ કોર્સ માટે રજીસ્ટ્રેશન હજુ પણ ચાલુ છે. વધુમાં નજીકના ભવિષ્યમાં વીર નર્મદ યુનિવર્સિટી મેન્ડરિન, કોરિયન, જાપાનીઝ, ડચ, સ્વીડિશ, ફિનિશ અને AI થી ભાષાના અર્થઘટનના અભ્યાસક્રમો શરૂ કરવાની યોજના ધરાવે છે.
આ ઉપરાંત યુનિવર્સિટી આ પ્રમાણપત્ર અભ્યાસક્રમોને વિદ્યાર્થીઓની સુવિધા માટે ઑનલાઇન મોડમાં ઉપલબ્ધ કરાવવા માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે. રસ ધરાવતી વ્યક્તિઓ કોર્સ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અથવા વધુ માહિતી માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડૉ.સુનિલ શાહનો સંપર્ક કરી શકે છે.