સુરતના પૂર્વ મેયરે ખાદી મેળામાંથી ખાદીના રૂમાલ ખરીદી આંગણવાડીના બાળકોને આપ્યા
- બાળપણમાં શીખવાડેલા પાઠ આજીવન યાદ રહેતા હોય છે તેથી સ્વચ્છતાના પાઠ માટે રૂમાલ અપાયા
સુરત,તા.3 ઓક્ટોબર 2023,મંગળવાર
ગઈકાલે ગાંધી જયંતિના દિવસે સુરતમાં શરૂ થયેલા ખાદી મેળામાંથી સુરતના રાજકારણીઓએ પોતાના માટે ખાદી ખરીદી કરી હતી તો સુરતના પુર્વ મેયરે ખાદી મેળામાંથી ખાદીના રૂમાલ ખરીદીને નાના બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવા માટે આંગણવાડીના બાળકોને રૂમાલ ભેટ તરીકે આપવામાં આવ્યા હતા.
સુરત પાલિકાના અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ સુરતા નવા પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. આ નવી નિમણૂક થયા બાદ પૂર્વ પદાધિકારીઓ કોર્પોરેટરની જવાબદારી સાથે વિવિધ પ્રવૃત્તિમાં જોડાયા છે. પુર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ અને પુર્વ શાસક પક્ષ નેતા વડાપ્રધાનના મત ક્ષેત્ર વારાણસીમાં પેજ કમિટિની કામગીરી માટે સતત જઈ રહ્યાં છે. તો પુર્વ મેયર હેમાલી બોઘાવાલા પક્ષના વિવિધ કાર્યક્રમ સાથે સાથે સામાજિક કામોમાં સક્રિયતા બતાવી રહ્યાં છે.
ગઈકાલે સુરતના જોગાણી નગર ખાતે શરૂ થયેલા ખાદી મેળામાં સુરતના રાજકારણીઓ અને પાલિકાના પદાધિકારીઓએ પોતાના માટે ખાદીની ખરીદી કરી હતી. તો પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા ખાદી મેળામાં ગયા હતા અને ત્યાંથી ખાદીના નાના હાથ રૂમાલની ખરીદી કરી હતી. ખાદીના રૂમાલ ખરીદીને બોઘાવાલા તેમના વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં પહોંચ્યા હતા અને દરેક બાળકોને ખાદીના રૂમાલ આપીને પોતાને સ્વચ્છ રાખવા માટેની શિખામણ આપી આવ્યા હતા. માજી મેયર કહે છે બાળપણમાં શીખવાડેલા પાઠ આજીવન યાદ રહેતા હોય છે તેથી સ્વચ્છતાના પાઠ માટે રૂમાલ આપવામા આવ્યા છે.