ભારતમાં પહેલીવાર સાડી વોકેથોન સુરતના આંગણે યોજાયું
મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા સાડી વોકેથનમાં મીની ભારતનું પ્રતિબિંબ દેખાયું
સુરતએ મિની ભારત તરીકે ઓળખાય છે અને આજે ''એક ભારત અને શ્રેષ્ઠ ભારત" નું ઉદાહરણ છે: કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ
સુરત, તા. 09 એપ્રિલ 2023 રવિવાર
મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ભારતમાં પહેલીવાર સાડી વોકેથોન સુરતના આંગણે યોજાયું હતું. આ સાડી વોકેથોનમાં મીની ભારતનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું. ગુજરાતના જુદા જુદા પ્રાંતની સાડીઓ પહેરીને મહિલાઓ વોકેથોન માટે આવ્યા હતા. સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે અને આજે ''એક ભારત અને શ્રેષ્ઠ ભારત" નું ઉદાહરણ આજે જોવા મળ્યું છે તેવું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.
સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. ના સંયુકત ઉપક્રમે મહિલાઓમાં ફિટનેશ વિશે જાગૃતિ લાવવાવાં હેતુથી સુરત શહેરમાં પોલિસ પરેડ ગ્રાઉન્ડથી પાર્લે પોઈન્ટ બ્રિજ નીચેથી યુ-ટર્ન લઈ પોલિસ પરેડ ગ્રાઉન્ડ સુધીના " સુરત સાડી વોકેથોન"નું સવારે ૬:૩૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યું હતું.
સાડી એ ભારતદેશની સંસ્કૃતિ તથા ભારતીય મહિલાની આગવી ઓળખ છે. ભારત ટેક્ષટાઈલ્સનાં અલગ અલગ વિવિંગ અને સાડી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સુરત શહેર પણ સમ્રગ ભારત દેશમાં ટેક્ષટાઈલ્સ ઉદ્યોગ માટે જાણીતું છે. સુરત એ મીની ભારત છે, જ્યાં વિવિધ પ્રાંતના લોકો વસે છે. ભારતની શાન અને સંસ્કૃતિનું પ્રતિક એવી સાડીમાં સુરતમાં વસતી બધા જ પ્રાંતની મહિલાઓએ પોતાના રાજ્યના આગવા પરિવેશમાં સાડી વોકેથોનમાં ભાગ લીધો હતો.
કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે સાડી વોકેથોન ના ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું હતું કે, સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે અને આજે આપણે સૌ ''એક ભારત અને શ્રેષ્ઠ ભારત" નું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપીએ. આજનો દિવસ સુરતનો એક ઐતિહાસિક દિવસ છે. આપણી સાંસ્કૃતિક વિરાસત અને સાડી પહેરીને આપણે આપણી આગવી ઓળખ જાળવીએ. સુરતીઓ ફકત ખાવા-પીવા માટે જ નહી પરતું ફીટ રહેવામાં પણ આગળ રહે તેમ જણાવેલ તથા ફીટ રહેવા માટે સાડી પહેરીને સદર કાર્યક્રમમાં જોડાવવા બદલ તમામ મહિલાઓ અને વિવિધ સંસ્થાઓ એ ઘણી સારી કામગીરી કરી છે તે અભિનંદનને પાત્ર છે.
કાર્યક્રમના ઉદ્ઘાટનમાં ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર પાટીલે કહ્યું હતું કે સમગ્ર ભારત દેશમાં સુરત મહાનગરપાલિકા ધ્વારા સૌ પ્રથમવાર "સુરત સાડી વોકેથોન''નું આયોજન કરવામાં આવેલ છે. આજે આયોજિત આ વોકેથોન મારફત સુરતની પ્રગતિની સાથે સાથે ગુજરાત અને સમગ્ર ભારત દેશની પ્રગતિ કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ક્ષેત્રમાં મહિલાઓને અગ્રિમતા આપે છે.આપણે સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીએ એ એક અત્યંત મહત્વની બાબત છે.
ભારતમાં પહેલીવાર સાડી વોકેથોન સુરતના આંગણે યોજાયું#Surat #SuratMunicipalCorporation #SareeWalkathon #SuratSareeWalkathon #Women pic.twitter.com/YdKeK8GuDB
— Gujarat Samachar (@gujratsamachar) April 9, 2023
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત ન હતા પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપણી ભારતીય પરિધાન પરંપરાની અમુલ્ય વિરાસત અને આપણી આગવી ઓળખ એવી સાડીના અને ફીટ રહેવા સંદર્ભે જનજાગૃતિ લાવવાના સદર કાર્યક્રમ " સુરત સાડી વોકેથોન'' ના આયોજન સંદર્ભે ઉપસ્થિત મહિલાઓને વિડિયો મેસેજ મારફત શુભેચ્છા પાઠવી હતી.