સુરત માટે ઘારી એક મીઠાઈ નહીં પણ તહેવારની ઓળખ બની ગઈ
- વર્ષો પહેલાં પ્રેત ભોજન હતી તે ઘારી હવે પ્રીતિ ભોજન સાથે મોભાદાર મીઠાઈ બની ગઈ
સુરતમા અગાઉ મરણ પ્રસંગે ઘારી અને મગજ બનાવાતા હતા પણ સમયની સાથે ઘારીના રંગરુપ બદલાયા હવે ફ્લેવર્ડ ઘારી પણ બનતી થઈ
સુરત, તા. 09 ઓક્ટોબર 2022 રવિવાર
આવતીકાલે ચંદની પડવાનો તહેવાર એટલે સુરતીઓનો પોતાનો તહેવાર આ દિવસે સુરતમાં ઘારી ખાવાનો અનોખો મહિમા છે. હાલમાં સુરત માટે ઘારી એક મીઠાઈ નહીં પરંતુ સુરતી તહેવારની ઓળખ બની ગઈ છે પરંતુ આજની આ મોભાદાર મીઠાઈ જે હાલ પ્રીતિ ભોજન છે તે વર્ષો પહેલાં પ્રેત ભોજન (મરણ પ્રસંગે) હતી તે ઘણા ઓછા સુરતીઓ જાણે છે. વર્ષો પહેલા સુરતમાં મરણ પ્રસંગે મગજ સાથે ધારી પણ બનાવવામાં આવતી હતી. પરંતુ સમય જતાં ઘારીના રંગ રૂપ બદલાયા અને હવે વિવિધ ફ્લેવર્ડ માં ઘારી મળતી થઈ છે અને મીઠાઈની દુકાનોમાં મોંઘી મીઠાઈઓમાં તેની ગણના થઈ રહી છે.
સુરતી ઘારી માત્ર સુરત, ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ વિખ્યાત છે. સુરતી ઘારી નો ટેસ્ટ અનેક લોકોને દાઢે વળગ્યો હોવાથી હવે ચંદની પડવા પહેલાં સુરતની ઘારી વિદેશમાં પાર્સલ થઈ રહી છે. ચંદની પડવા માં સુરતની મીઠાઈ ની દુકાનો સાથે સીઝનલ ધંધો કરનારા માટે કમાવવાનો દિવસ હોય છે અને કરોડો રૂપિયા ની ઘારી સુરતીઓ ઝાંપટી જાય છે. આજે સુરતીઓ ભારે ટેસ્ટ થી ધારી આરોગે છે તેનો ઈતિહાસ આજના યંગસ્ટર્સને ભાગ્યે જ ખબર હશે. સુરતની ઘારી નો સંબંધ 1857ના વિપ્લવ સાથે જોડાયેલો છે. તે વખતે આસો વદ પડવો હતો અને તાત્યા તોપેના લશ્કરે સુરતમાં સામુહિક રીતે ઘારી ખાધી હતી. ત્યારથી સુરતમાં પડવાના દિવસે ઘારી ખાવાની પરંપરા ચાલતી આવી છે.
આજે પરિવાર અને ફ્રેન્ડ સર્કલ સાથે ઘારી સામુહિક રીતે ખાવામાં આવે છે તે ઘારી પહેલા પણ સામૂહિક રીતે ખવાતી હતી પરંતુ મરણ પ્રસંગમાં તેની જાણ ઘણા ઓછા લોકોને છે. વર્ષો પહેલા સુરતમાં કોઈ નું મરણ થતું ત્યારે ક્રિયા વિધિ એટલે કે બારમા તેરમા ના દિવસે મગજ કે ધારી બનાવી પીરસવામાં આવતી હતી તે સમયે ધારી પ્રેત ભોજન ગણવામાં આવતી હતી અને મરણ પ્રસંગે જ ખવાતી હતી. પરંતુ સ્વાદ ના શોખીન સુરતીઓને ઘારી નો ટેસ્ટ એવો વળગ્યો કે ધારી પ્રેત ભોજનમાંથી હવે પ્રીતિ ભોજન બની ગઈ છે.
આટલું જ નહી પરંતુ કોઈ પણ ટેસ્ટને ટવીસ્ટ કરવામાં માહેર સુરતીઓએ ઘારીને પણ વિવિધ ફ્લેવર્ડ માં બનાવી દીધી છે. આજના યંગસ્ટર્સને ચોકલેટનો ટેસ્ટ વધુ પસંદ હોય ચોકલેટ ઘારી થી માંડીને એક ડઝન કરતાં વધુ ટેસ્ટમાં ધારી વેચાણમાં જોવા મળી રહી છે. એક સમયે મરણ પ્રસંગે ખવાતી ખારી હવે ચંદની પડવામાં વીઆઈપી બની ગઈ છે અને અન્ય મીઠા કરતાં વધુ કિંમતમાં ધારી નું વેચાણ થઈ રહ્યું છે અને આ ઘારી ખરીદવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં પણ ઉભેલા જોવા મળે છે.