શ્રાવણ માસમાં સુરત પાલિકાનો ફૂડ વિભાગ એક્ટિવ મોડમાં : મીઠાઈમાં ઉપયોગ લેવાતા માવાના 8 જગ્યા પરથી સેમ્પલ લીધા
Surat Corporation Food Cheaking : શ્રાવણ માસમાં તહેવારોમાં મીઠાઈનો ઉપયોગ વધુ થતો હોય પાલિકાના ફૂડ વિભાગે થોડા દિવસ પહેલાં ફરાળી લોટના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ આજે દુધના માવાના સેમ્પલ લીધા છે. સુરત પાલિકાએ ભાગળ વિસ્તારમાં માવાનું વેચાણ કરતી સંસ્થામાંથી નમૂના લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો કોઈ સંસ્થાના સેમ્પલ ખરાબ જણાશે તો સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે.
શ્રાવણ માસ એટલે તહેવારોની વણઝાર આ દિવસોમાં ફરાળી વાનગી સાથે મીઠાઈનો ભરપૂર ઉપયોગ થાય છે. મીઠાઈ બનાવવા માટે માવાનો ઉપયોગ થાય છે તે ગુણવત્તાવાળો છે કે નહીં તેની ચકાસણી માટે પાલિકાના ફુડ વિભાગે આજે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની આઠ ટીમો દ્વારા સવારથી જ બંસી માવા ભંડાર, નંદકિશોર માવાવાલા, શંકર માવા, જૈન માવા અને સુરજ માવા સહિત આઠ એકમોમાંથી માવાના સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સાંજ સુધી ચાલશે અને અન્ય જગ્યાએથી પણ સેમ્પલ લેવાની કામગીરી કરાશે. ફુડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. તે સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો કોઈ સંસ્થાના સેમ્પલ લેબ ટેસ્ટમાં નિષ્ફળ જશે તો સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે.