સુરતના વરાછામાં લગ્નના વરઘોડા સમયે ફટાકડા અને અન્ય કચરો કરનારાને પાંચ હજારનો દંડ
- હવે લગ્નના વરઘોડાની ઉજવણી સાથે સફાઈ કામદાર પણ રાખવા પડશે
- વરાછા ઉમિયા ધામ મંદિર નજીક એક પરિવારે લગ્નના વરઘોડા દરમિયાન ડી.જે. સાથે ફટાકડા અન્ય કચરો નાંખ્યો હતો તે બદલ આરોગ્ય વિભાગે દંડ કરવામાં આવ્યો
સુરત,તા.05 ફેબ્રુઆરી 2024,સોમવાર
સુરત શહેરમાં હવે લગ્ન પ્રસંગે વરઘોડામાં દરમિયાન સફાઈ કામદારોને પણ સાથે રાખવા જરૂરી પડે તેવી ઘટના સુરતમાં બની છે. સુરતના વરાછા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડીજે રાખ્યું હતું. પરંતુ રસ્તા પર કચરો નાખવામાં આવ્યો હતો. વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ પર કચરો ફેંકવામાં આવ્યો તે બદલ આયોજકો પાસે પાલિકાના આરોગ્ય વિભાગે પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે તે સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત ઈન્દોર સાથે સુરત પણ ભારતનું સૌથી સ્વચ્છ શહેર સાબિત થયું છે. ત્યારબાદ નંબર 1 યથાવત રાખવા માટે સુરત પાલિકા આયોજન કરી રહી છે. તેમાં સુરતીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટેના પ્રયાસ શરુ થઈ રહ્યું છે. જાહેર રસ્તા પર કચરો ફેંકનાર લોકોને સીસી કેમેરાની મદદથી ઝડપી દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર થૂંકનારા પાસે પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
જોકે, ગત 2 તારીખે સુરત પાલિકાના વરાછા ઝોનમાં ઉમિયા માતાના મંદિર નજીક વૈશાલી રોડ પર એક પરિવાર દ્વારા લગ્નના વરઘોડામાં ડી.જે. સાથે યાત્રા કાઢવામાં આવી હતી. તે દરમિયાન જાહેર રોડ પર કચરો ફેંકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફટાકડાનો પણ કચરો હતો તેના કારણે આરોગ્ય વિભાગે આયોજક પાસેથી જાહેરમાં ગંદકી કરવા બદલ પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. પાંચ હજાર રૂપિયા દંડ સાથે ની રસીદ સોશિયલ મીડિયા પર ફરી રહી છે તેની પર અનેક કોમેન્ટ થઈ રહી છે તેથી તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.