સુરતના મોટા વરાછામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના બંગલામાં લાગી આગ, 17 વર્ષીય દિકરાનું મોત

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
સુરતના મોટા વરાછામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના બંગલામાં લાગી આગ, 17 વર્ષીય દિકરાનું મોત 1 - image

સુરત,તા.08 માર્ચ 2024,શુક્રવાર

સુરતના મોટા વરાછામાં આવેલ આનંદધારા સોસાયટીમાં મોડી રાતે આગની ઘટના બની હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુભાઈ કાછડીયાના બે માળના બંગલામાં રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનામાં કોર્પોરેટરનો 17 વર્ષીય દીકરો પ્રિન્સ રૂમમાં જ ફસાઈ જતા ગંભીર રીતે દાજી ગયો હતો. તેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પ્રિન્સના મોતને પગલે પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયા છે.

સુરતના મોટા વરાછામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના બંગલામાં લાગી આગ, 17 વર્ષીય દિકરાનું મોત 2 - image

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુભાઈ કાછડીયા બે માળના બંગલામાં સંયુક્ત પરિવાર સાથે રહે છે. પરિવારમાં બે દીકરાઓ છે. મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધામાં છે જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. પ્રિન્સ હાલ ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ પહેલા માળે અચાનક આગ લાગી ગઈ હતી.

આગ બીજા માળ સુધી પ્રસરતા બીજા માળે સુતેલા પરિવારના સભ્યો ફસાઈ ગયા હતા. આગને પગલે પરિવારના સભ્યોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગી ત્યારે મકાનમાં 7 સભ્યો હાજર હતા જેમાંથી પરિવારના છ સભ્યોએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને જીવ બચાવ્યો હતો. ત્યારે બેડરૂમમાં રહેલ 17 વર્ષીય પ્રિન્સ ઘુમાડામાં ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શક્યો નહોતો. ત્યારે વિકરાળ આગમાં દાઝી જવાથી ગંભીર રીતે પ્રિન્સ ઈજાગ્રસ્ત થયો હતો.

ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આ દરમ્યાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. પરિવારના નાના દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.


Google NewsGoogle News