સુરત પાલિકાની શાળામાં વાર્ષિકોત્સવની મૌસમ શરુ : શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને યજ્ઞ સંસ્કાર દ્વારા વિદાય
- પર્યાવરણની જાગૃતિ માટે શાળાના કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત તુલસીના રોપા થી થઈ રહ્યું છે : શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થીમ આધારિત આ વાર્ષિકોત્સવ ગરબાની રમઝટની બોલબાલા
સુરત,તા.08 માર્ચ 2024,શુક્રવાર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આગામી દિવસો વાર્ષિક પરીક્ષા થઈ રહી છે તે પહેલા સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ રહ્યા છે. 22 જાન્યુઆરીના રોજ રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પાલિકા સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થીમ જોવા મળી રહી છે. આ ઉપરાંત એક સ્કૂલમાં તો ધોરણ 8ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં યજ્ઞ સંસ્કાર દ્વારા વિદાય આપવામાં આવી હતી. આ ઉપરાંત પર્યાવરણની જાગૃતિ માટે શાળાના કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત તુલસીના રોપા થી કરવામા આવ્યું છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એપ્રિલ માસમાં વાર્ષિક પરીક્ષા થશે અને ધોરણ -8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાઈસ્કુલમાં જશે અને ધોરણ 1-થી 7 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આગળના ધોરણમાં જશે. તે પહેલા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાર્ષિક ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં શાળા ક્રમાંક 218 ધૂમકેતુ પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વિદાય આપવા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાનો વારસો આપણી નવી પેઢીમાં ઉતરે તેઓમાં ભારત દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય ધરોહરને સાચવવાની ભાવના કેળવાય તથા વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય તે હેતુથી ધોરણ 8 ના વિદાય પામનાર વિદ્યાર્થીઓને યજ્ઞ સંસ્કાર દ્વારા વિદાય આપવાનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પર્યાવરણની જાળવણીનો સંદેશો આપવા માટે મહેમાનોને તુલસીના રોપા આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કવિ શ્રી સુરેશ દલાલ ન.પ્રા.શા.ક્ર. 257, ડીંડોલીમાં વાર્ષિકોત્સવમાં શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થીમ આધારિત આ વાર્ષિકોત્સવ ગરબાની રમઝટ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય શાળામાં પણ વાર્ષિક ઉત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.