સુરતના કતારગામમાં એક પરિણીતાની સીમંત વિધિમાં મહેમાનોનું સ્વાગત પક્ષીઓ માટે પાણીના કુંડા આપી અને બ્લડ ડોનેશન સાથે ઉજવણી કરી
- સુરતના એક પરિવારે સીમંત વિધિમાં અનોખો ચીલો ચાતર્યો
- સીમંત વિધિમાં આવનારા મહેમાનોનું સ્વાગત ફુલથી નહી પણ પક્ષીઓના કુંડા અને ચણ આપી કર્યું : મહેમાનોને કાળઝાળ ગરમીમાં પક્ષીઓની સેવા કરવાનો સંકલ્પ લેવડાવ્યા
સુરત,તા.15 મે 2023,સોમવાર
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક પરિવારની પરિણીતાની સીમંત વિધિ ધામિક પરંપરા સાથે સાથે જીવદયા અને સમાજપયોગી કામ સાથે કરવામાં આવી હતી. પરિવારની મહિલાના સીમંત વિધિ માં આવનારા મહેમાનોનું સ્વાગત ફુલોથી નહીં પરંતુ પક્ષીઓના કુંડા અને ચણ આપી કરવામા આવ્યું હતું. આ ઉપરાંત આવનારા મહેમાનોને રક્તદાન માટે સમજાવીને રક્તદાન પણ લેવામાં આવ્યું હતું
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મહિલા માતૃત્વ ધારણ કરવાની હોય તેના પહેલાં દરેક સમાજમાં સીમંત વિધિ થાય છે. પરંતુ હાલમાં કેટલાક લોકો દેખાદેખી કરીને સીમંત વિધિને બેબી સાવરનું નામ આપીને ભપકો કરતાં હોય છે. પરંતુ આવા દૌરમાં સુરતના કતારગામ વિસ્તારમાં રાજપૂત પરિવારે સીમંત વિધિની ઉજવણીમાં નવો ચીલો ચાતરવાનો પ્રયાસ કર્યો છે. કતારગામમાં રહેતા જગદીશભાઇ કિડેચાના પુત્રવધુ પાયલની સીમંત સંસ્કાર વિધિમાં હિન્દુ પરંપરા મુજબની વિધિ સાથે સાથે સમાજને એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે નરેન્દ્રસિંહ કિડેચા કહે છે, મારી પત્નીના સીમંત સંસ્કાર વિધિમાં અમે હાલ જે સંસ્કૃતિ લુપ્ત થાય છે તેને જાળવવા માટે અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરવાનું ટાળ્યું હતું. પરંપરાગત હિંદુ સંસ્કૃતિ પ્રમાણે જ વિધિ કરવામા આવી હતી. એટલું જ નહીં પરંતુ મહેમાનોનું સ્વાગત કરી તેઓને સંદેશો મળે તે માટેનો પ્રયાસ કરવામા આવ્યો હતો. આવનારા મહેમાનોનું સ્વાગત અમે ફુલ આપીને કરવાના બદલે હાલમાં કાળઝાળ ગરમીમાં પક્ષીઓને મદદરૂપ થાય તે માટે કુંડા અને ચણ આપીને કર્યું છે. મહેમાનોને કુંડા અને ચણ આપીને તેમના ઘર કે ફ્લેટની આસપાસ કુંડામાં પાણી મૂકીને ચણ આપી પક્ષીઓને ગરમીમાં મદદરૂપ થવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત હાલમાં રક્તદાન કેન્દ્રમાં રક્તની અછત હોય છે તેવી વાતો અમે જાણી હતી તેથી જે મહેમાનો આવ્યા હતા તેઓને રક્તદાનનું મહત્વ સમજાવી રક્તદાન કરવા માટે અપીલ કરી હતી. અમારે ત્યાં સીમંત વિધિ સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. અમારો આ પ્રયાસ સફળ રહ્યો હતો અને 50થી વધુ મહેમાનોએ રક્તદાન પણ કર્યું હતું. સમાજમાં ધાર્મિક વિધિમાં લોકો ખોટા ખર્ચા કરે છે તેની જગ્યાએ આવા સમાજપયોગી કામ થાય તેવો સંદેશો સમાજમાં જાય તે માટે અમે આ પ્રયાસ કર્યો છે તેમ તેઓએ કહ્યું હતું.