સુરતમાં દશેરા પહેલા ફાફડાની ડિમાન્ડમાં વધારો : લાઈવ ફાફડાના બદલે પેકિંગમાં ફાફડાનો ટ્રેન્ડ શરૂ થયો
- પ્લાસ્ટિક કન્ટેનરમાં ફાફડા પેકિંગ શરૂ
- તહેવારની ઉજવણી માટે પણ સુરતીઓ પાસે સમય નથી, લાઈનમાં ઉભા રહેવાના બદલે પેકીંગ કરેલા ફાફડા લેવાનું શરૂ કર્યું
સુરત,તા.04 ઓક્ટોબર 2022,મંગળવાર
ખાણી પીણીના શોખીન સુરતીઓ માટે દશેરાનો તહેવાર એટલે મન મુકીને ફાફડા જલેબી સાથે અન્ય ફરસાણ ટેસ્ટથી ઝાપટવાનો તહેવાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી સુરતીઓ ઝાપટી જશે. દર વર્ષે વહેલી સવારથી મોડી રાત્રી સુધી ફાફડા અને જલેબી માટે ફરસાણની દુકાનો પર લાંબી લાઈન જોવા મળે છે પરંતુ છેલ્લા બે વર્ષથી લાઈવ ફાફડા ના બદલે પેક કરેલા ફાફડા લેવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. લોકોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું ન પડે તે માટે પ્લાસ્ટિકના કન્ટેનરમાં પેક કરેલા ફાફડા લેવાનું શરુ ક્રર્યું છે.
દર વર્ષે સુરતમાં દશેરાની આગલી રાતથી દશેરાની રાત્રી સુધી સુરતમાં ફરસાણની વેચાણ કરતી દુકાનોમાં ફાફડા જલેબી માટે લાંબી લાઈન જોવા મળે છે. જોકે, કોરોના બાદ સુરતીઓના દશેરાની ઉજવણીમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. બે વર્ષથી લોકો લાઈનમાં ઉભા રહેવાના બદલે પેક ફાફડા લેતા થયાં છે તેના કારણે ફરસાણનું વેચાણ કરતા વેપારીઓ ફાફડા પ્લાસ્ટીકના કન્ટેનરમાં વેચાણ કરતા જોવા મળી રહ્યા છે.
બોક્સ પેકીંગમાં ફાફડાનું વેચાણ કરતાં કૃણાલ ઠાકર કરે છે, છેલ્લા ઘણાં વર્ષોથી નવરાત્રીમાં વરસાદ સાથે ભેજવાળું વાતાવરણ હોય છે. તેથી ફાફડા ખુલ્લા હોય અને પેક કરી આપવામા આવે તો ઘણી વાર ફાફડા હવાઈ જવાની ફરિયાદ વધતી હતી અમારે ત્યા અન્ય વસ્તુ પ્લાસ્ટિક કન્ટેનરમાં પેક કરી વેચાણ કરવામાં આવે છે તેવી જ રીતે ફાફડા પેકીંગ માટેનો વિચાર અમે કર્યો હતો અને તે સફળ થયો છે. પ્લાસ્ટિક કન્ટેનર માં ફાફડા પેકીંગ કરીને ગ્રાહકોને આપવાથી ગ્રાહકો સાથે વેપારીઓનો પણ સમય બચે છે અને ફાફડા તુટવાનો ભય રહેતો નથી. અમારો આ પ્રયોગ સફળ થયો છે અને લોકો હવે પ્લાસ્ટિક કન્ટેનરમાં પેક કરેલા ફાફડાની જ ડિમાન્ડ કરી રહ્યા છે.
ફરસાણના અન્ય વેપારી પ્રહલાદ પટેલ કહે છે, પહેલા લોકો લાઈવ ફાફડાનો જ આગ્રહ રાખતા હતા પરંતુ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતું હોવાથી ગ્રાહકો જ હવે પ્લાસ્કિટ કન્ટેનરમાં પેક કરેલા ફાફડાની ડિમાન્ડ કરી રહ્યા છે. જોકે, હજી પણ કેટલાક લોકો લાઈવ ફાફડાની ડિમાન્ડ કરે છે તેથી પ્લાસ્ટિક કન્ટેનર સાથે સાથે લાઈવ ફાફડા પણ રાખીએ છીએ. જોકે, લોકો લાઈનમાં ન ઉભુ રહેવુ પડે તે માટે પ્લાસ્ટિક કન્ટેનરમાં પેક કરેલા ફાફડા માગી રહ્યા છે તેથી ગ્રાહક સાથે વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે. ગ્રાહકની ડિમાન્ડ સામે વેપારીઓએ સપ્લાય શરુ કરતાં હવે સુરતમાં લાઈવ ફાફડા સાથે પ્લાસ્ટિક કન્ટેનરમાં ફાફડા પેકિંગ કરી વેચાણનો ટ્રેન્ડ નવો શરૂ થયો છે.
પ્લાસિક્ટ કન્ટેનરની ડિમાન્ડ વધતા માલની શોર્ટેજ
સુરતમાં આ વર્ષે દશેરામાં ફાફડા પ્લાસ્ટિક કન્ટેનરમાં પેક કરીને વેચાણ ટ્રેન્ડ શરૂ થતાં પ્લાસ્ટિકના કન્ટેઈનરનું વેચાણ કરનારાઓને પણ તડાકો થયો છે. અચાનક જ પ્લાસ્ટિક કન્ટેનરની ડિમાન્ડમાં વધારો થતાં પ્લાસ્ટિક કન્ટેનરના માલની શોર્ટેજ ઉભી થઈ છે.
વેપારીઓ 250 ગ્રામ અને 500 ગ્રામના પેકીંગ પ્લાસ્ટિક કન્ટેનરમાં પેક કરતાં હોવાથી અચાનક જ આ સાઈજના કન્ટેનરની માગ વધી ગઈ છે. જેના કારણે આવા કન્ટેરનું વેચાણ કરનારાઓને તડાકો થઈ રહ્યો છે.
કેટલાક વેપારીઓ પૂંઠાના બોક્સ બનાવી તેમાં ફાફડાનું પેકિંગ કરે છે
સુરતમાં આ વર્ષે પ્લાસ્ટિક કન્ટેનર માં ફાફડા પેકિંગનો ટ્રેન્ડ શરુ થયો છે પરંતુ કોઝવે પર ફાફડાનું વેચાણ કરતાં વેપારી પોતાની દુકાનના નામના પુંઠાના બોક્સ તૈચાર કરાવે છે અને તેમાં ફાફડા પેક કરીને વેચાણ કરે છે. ફાફડાનું વેચાણ કરતાં મહેશ પટેલ કહે છે, અમારે ત્યાં 250 ગ્રામ અને 500 ગ્રામ ફાફડા માટે પૂંઠા ના બોક્સ તૈયાર કરવામા આવ્યા છે અને તેમાં ફાફડા પેક કરીને આપવામાં આવે છે. આવી રીતે પેકિંગ કરવાથી ઉતાવળે ફાફડા પેકીંગ ની ઝંઝટ મટી જાય છે અને ગ્રાહકોને ફાફડા ટુકડા થઈ જતા નથી.