સુરતમાં જુના ચલણી સિક્કાઓનુ પ્રદર્શનઃ 4500 વર્ષ જુના હડપ્પા સંસ્કૃતિના સિક્કાઓએ આકર્ષણ જમાવ્યું
સુરત, તા. 13 માર્ચ 2020, શુક્રવાર
સુરત કૃષિમંગલ ખાતે યોજયેલા જુના સિક્કા અને જૂની નોટોના પ્રદર્શનમાં હડપ્પા સંસ્કૃતિના 4500 વર્ષ જુના સિક્કાઓ અને તેની વસ્તુઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. એ સાથે જ 2900 વર્ષ જુના રાયના દાણા જેટલા સિક્કાઓએ પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. રાજકોટના ગોંડલ તાલુકાના કોરડી ગામેથી આવેલા રણજીતસિંહ રાણા હડપ્પા સંસ્કૃતિના એતિહાસિક સિક્કાનું ક્લેકશન લાવ્યા હતા.
કૃષિમંગલ હોલ ખાતે ઇતિહાસના જુના સિક્કાઓ અને જૂની નોટોનું પ્રદર્શન અને એકચેન્જ યોજવામાં આવેલા છે. જેમાં ભરતભરમાંથી લોકો જુના ચલણી સિક્કા અને નોટો લઈને સુરત આવી પહોંચ્યા હતા. જેમાં રાજકોટના ગોંડલ તાલુકાના કોરડી ગામથી આવેલા રણજીતસિંહ રાણા પણ પોતાનું જુના ચલણી સિક્કાઓનું કલેક્શન લઈને આવ્યા હતા. તેમની પાસે 4500 વર્ષ જુના હડપ્પાની સંસ્કૃતિના સિક્કાઓનું કલેક્શન છે.
આ અંગે રણજીતસિંહ કહે છે કે "મેં આ તમામ કલેક્શન બધી જગ્યાઓ પર રખડી રખડીને ભેગા કર્યા છે. મારી પાસે હડપ્પા સંસ્કૃતિ ના સાડા ચાર હજાર વર્ષ પહેલાંના સિક્કાઓ છે. જેમાનો એક લંડનના મ્યુઝિયમમાં છે અને બીજો મારી પાસે છે.
આ સિવાય મારી પાસે હડપ્પા સંસ્કૃતિના 4500 વર્ષ જુના નંદીજી, શિવલિંગ, કાનના કુંડલ અને કાંસાની મૂર્તિ છે. અને આ સિવાય મારી પાસે રાયના દાણા જેટલા 2900 વર્ષ જુના સિક્કાઓ પણ છે. મારી પાસે પહેલાના રાજાઓ જેવા કે સુરસેન, સમુદ્રગુપ્તના સમય ના સિક્કાઓ પણ છે. જે ટીપી ને બનાવવામાં આવતા હતા.અને તેના પર ભગવાન કલાકૃતિ છે.આ તમામ કલેક્શનની કિંમત 4 કરોડ રૂપિયા થાય છે.
આ સિવાય ઓમ પ્રકાશભાઈ અગ્રવાલ પાસે 167 સ્મારક સિક્કાઓનું કલેક્શન છે. સ્મારક સિક્કાઓ એટલે કે દેશની જાણીતી વ્યક્તિઓની પ્રતિકૃતિ વાળા સિક્કાઓ સરકાર બહાર પાડતી હોય છે. પરંતુ વર્ષોથી સરકાર દ્વારા આ સિકકાઓ બહાર પડવાનું બંદ કરી દેવામાં આવ્યું છે. પરંતુ જે સિકકાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તે સિક્કાઓનું કલેક્શન તેમની પાસે છે.