Get The App

સુરત શિક્ષણ સમિતિની વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ક્યાંથી ઉંચુ આવે? : આવતીકાલથી પરીક્ષા અને આજે રંગોળી સ્પર્ધાનું આયોજન

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
સુરત શિક્ષણ સમિતિની વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ક્યાંથી ઉંચુ આવે? : આવતીકાલથી પરીક્ષા અને આજે રંગોળી સ્પર્ધાનું આયોજન 1 - image


- પરીક્ષા વખતે સરકારી કાર્યક્રમ પણ નથી રહેતા ત્યારે એન.જી.ઓ.ની રંગોળી સ્પર્ધા કઈ રીતે ?  જે દિવસે ફાઈનલ સ્પર્ધા છે તે દિવસે પ્રાદેશિક ભાષાની પરીક્ષા બાળકો ક્યાં જશે ?

સુરત,તા.25 ઓક્ટોબર 2023,બુધવાર

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં છેલ્લા કેટલાક વખતથી શિક્ષણ સ્તરને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શિક્ષણ સમિતિની શાળામાં આવતીકાલ ગુરૂવારથી સમિતિની શાળામાં પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી રંગોળી સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. આજે  પરીક્ષાની પૂર્વ તૈયારી છે તો બીજી તરફ શિક્ષકો અને વિદ્યાર્થીઓની રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેના કારણે અનેક વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નો ઉભા થયા છે. એટલું જ નહી પરંતુ 6 નવેમ્બરે ફાઈનલ સ્પર્ધા છે તે દિવસે પ્રાદેશિક ભાષાની પરીક્ષા છે તેના કારણે આવી સ્પર્ધા વિવાદમાં આવી રહી છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોની ઘટની ફરિયાદનો હલ આવ્યો નથી ત્યાં જે શિક્ષકો અભ્યાસ કરાવે છે તેવા શિક્ષકોને ઈતર પ્રવૃત્તિમાં જોડી દેવાતા અનેક દિવસ વર્ગખંડ ખાલી જોવા મળી રહ્યાં છે અને અન્ય શિક્ષકો પર કામગીરીનું ભારણ વધી રહ્યું છે. આવતીકાલ ગુરૂવારથી શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પરીક્ષા શરૂ થશે તેના માટે સ્કુલના શિક્ષકો દ્વારા પુર્વ તૈયારી અને પરીક્ષા માટે પુનરાવર્તન ઉપરાંત પરીક્ષા માટે નંબર પાડવા સહિતની કામગીરી કરવાની છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે જોડાયેલી અગત્યની કામગીરી છે ત્યાં હાલમાં એક એન.જી.ઓ. દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

 કાગળ પર આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મરજ્યાત છે પરંતુ મૌખિક સુચનાના આધારે અનેક શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દબાણ કરવામાં આવતું હોવાની પણ ફરિયાદ બહાર આવી રહી છે. એક તરફ આવતીકાલથી વિદ્યાર્થીઓની પરીક્ષા અને તેના માટે તૈયારી ચાલી રહી છે તો બીજી તરફ એન.જી.ઓ. દ્વારા પરીક્ષા સમયે જ યોજવામા આવેલી સ્પર્ધા વિવાદનું કેન્દ્ર બની ગઈ છે.

 શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા છે ત્યારે સમિતિના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રંગોળી સ્પર્ધા સોમવારે થઈ હતી અને આજે પણ થઈ છે. આ ઉપરાંત યુ.આર.સી અને સી.આર.સી કક્ષાની શિક્ષકો અને વિદ્યાર્થીઓની રંગોળી સ્પર્ધા બાદ 6 નવેમ્બરના રોજ ફાઈનલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે શિક્ષણ સમિતિની પ્રાદેશિક ભાષાની પરીક્ષા છે. તો આ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્પર્ધામા ભાગ લેવા જશે કે પરીક્ષા આપશે તે અંગે અનેક અટકળો થઈ રહી છે. શિક્ષણ સમિતિની સ્કુલોમાં પરીક્ષા સમયે સ્પર્ધાનું આયોજન કેવી રીતે થયું તે તપાસનો વિષય બની ગયો છે.


Google NewsGoogle News