મહિનાની 16 તારીખ થઈ ગઈ છતાં પણ સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોનો પગાર ન થતાં હાલત કફોડી
Surat Education Committee News : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે અને આ પરીક્ષા સાથે આજે એપ્રિલ મહિનાની 16 તારીખ થઈ ગઈ હોવા છતાં શિક્ષકોનો પગાર હજુ સુધી થયો નથી. જેના કારણે બેંકમાં હપ્તા ચાલતા હોય તેવા શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. ધોરણ પાંચ સુધીની પરીક્ષા પુરી થઈ ગઈ છે અને ધોરણ 6 થી 8ની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા વચ્ચે શિક્ષકો પગારની રાહ જોઈને બેઠા છે. શિક્ષકો પરીક્ષાની કામગીરી સાથે સાથે આગામી ચૂંટણી માટેની કામગીરીની કવાયત કરી રહ્યાં છે. તે દરમિયાન 16 એપ્રિલ થઈ ગઈ હોવા છતાં પણ શિક્ષકોનો પગાર ન થતાં શિક્ષકોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે શિક્ષકોનો પગાર 1 થી 5 તારીખની વચ્ચે થઈ જાય છે જેના કારણે અનેક શિક્ષકો એવા છે જેમની બેંક લોન ચાલતી હોય તેના હપ્તા 10 થી 15 તારીખની વચ્ચે સીધા કપાઈ જાય છે. પરંતુ આ વખતે શિક્ષકોનો પગાર બેંકમાં જમા થયો નથી અને તેના કારણે બેંકમાં હપ્તાનું ટેન્શન તેઓને થઈ ગયું છે. હાલમાં શિક્ષણ ઉપરાંત ચુંટણી તથા અન્ય કામગીરી હોવાથી શિક્ષકો પર ભારણ વધી રહ્યું છે તેવામાં પગાર ન થતાં શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે. આવી સ્થિતિમાં શિક્ષકો પગાર 5 તારીખ પહેલા જમા થઈ જાય તેવી માગણી કરી રહ્યાં છે.