ઈલેક્ટોરલ બોન્ડએ માત્ર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ : કોંગ્રેસ
Surat Congress on Electoral Bonds : આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ સામસામે આક્ષેપોનો મારો શરૂ કરી દીધો છે. જેમા આજે કોંગ્રેસે સુરતમાં ઈલેક્ટોરલ બોન્ડએ માત્ર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું. આ ઉપરાંત ઈલેક્ટોરલ બોન્ડના નામે ભાજપે ચલાવેલ સુનિયોજીત લૂંટ છે તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવા માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
સુરતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નૈષધ દેસાઈએ પત્રકાર પરિષદમાં ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપે ઇલેક્ટોરલ બોન્ડના નામે દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઊભું કર્યું છે. 38 કોર્પોરેટર ગ્રુપને 159 કોન્ટ્રાક્ટ 6 વર્ષમાં આપી 4 લાખ કરોડની રકમના મોટા પ્રોજેક્ટ બાબતે 2000 કરોડ ભાજપના ઇલેક્ટોરલ બોન્ડમાં જમા કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુ આક્ષેપ કરતાં તેઓએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે ઇલેક્ટોરલ બોન્ડના નામે "ચંદા દો અને ધંધા લો" નું કૌભાંડ આચર્યું. ઇલેક્ટ્રોનિક બોન્ડના ઉપયોગથી કાળુ ધન, મની લોન્ડરીંગ જેવા કારનામામાં વધારો થઈ શકે છે. ફંડ આપતી ફરજી કંપનીઓથી દેશમાં ભ્રષ્ટાચારનું નેટવર્ક ઊભું કર્યું છે. 2018 પછી 43 કંપનીઓએ તેની સ્થાપનાના 6 મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે અને કુલ મળીને 384.50 કરોડનું દાન આપ્યું છે. ભાજપમાં ઈલેક્ટોરલ બોન્ડના નામે 'ચંદા દો... ધંધા લો', ની લૂંટ નીતિ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
પ્રદેશ પ્રવકતાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઇલેક્ટોરલ બોન્ડ ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ગોટાળો કરવા ચાર અલગ અલગ પદ્ધતિ અપનાવે છે. આ સાથે માગણી કરી હતી કે, ઈલેક્ટોરલ બોન્ડના નામે ભાજપએ ચલાવેલ સુનિયોજીત લૂંટની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.