ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ : સુરતના મોટા વરાછાના યુવાનએ બનાવી લાકડાના વેસ્ટેજને રિસાયકલ કરી ઘડિયાળ
સુરત,તા.3 જુન 2023,શનિવાર
અઢીસો જેટલા લાકડાના અલગ અલગ પાર્ટસમાંથી એક એવી ઘડિયાળ બનાવવામાં આવી છે જેને જોઈ તમને લાગશે કે આ કોઈ વિદેશી કંપની દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી છે. તેની કલાકારી અને તેની ડિઝાઇન જોઈને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો, પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્ય તમને ત્યારે જાણીને થશે કે આ કોઈ વિદેશી કંપનીએ નહીં સુરતમાં રહેનાર ધોરણ નવ સુધી ભણનાર એક આર્ટિસ્ટે બનાવી છે.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે રહેતા પરેશ પટેલ અગાઉ પેઈન્ટર હતા, પરંતુ તેમની કળાની કદર કરનાર લોકોનો ન હતાં. જેથી તેઓ વિચાર્યું કે ટેકનોલોજીની મદદથી એક એવી આર્ટ તેઓ તૈયાર કરે જેને જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય. તેઓએ પર્યાવરણ અનુલક્ષી એટલે ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી છે .તમે વિચારી રહ્યા હશો કે આ ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ કઈ રીતે હોઈ શકે ? તો આ ઘડિયાળ જે છે તે લાકડાના વેસ્ટના ભુકામાંથી તૈયાર કરવામાં આવી છે. આ વેસ્ટ જે ફેંકી દેવામાં આવતો હોય છે તેને રિસાયકલ કરીને લાકડામાં પરિવર્તિત કરી આ ઘડિયાળ તૈયાર કરવામાં આવી છે.
પરેશ પટેલે કહ્યું કે હું ધોરણ નવ સુધી ભણ્યો છું. ઘડિયાળની ખાસિયત છે કે આ તારીખ મહિના અને વર્ષ બતાવે છે. અગાઉ હું પેઇન્ટિંગનું કામ કરતો હતો હું આર્ટિસ્ટ હતો પરંતુ તેની ડિમાન્ડ ઓછી થવા લાગી હતી. લોકો વધારે આર્ટિસ્ટની કદર કરતા નથી. એથી વિચાર્યું કે એવી વસ્તુ બનાવું જેનાથી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકું અને લોકોને તે પસંદ આવે.આ ડિઝાઇન બનાવવામાં મને ખાસો સમય લાગ્યો છે. ઘડિયાળ ની ડિઝાઇન માટે વિચાર કરવો પણ એ ખૂબ જ મુશ્કેલ હતો. વિચાર્યું કે કંઈક જટિલ ડિઝાઇન બનાવું જે ખૂબ જ ખાસ હોય અને ખૂબ જ લોકોને પસંદ આવે. આ ઘડિયાળ જોવા પર તમને મેકેનિકલ ડિઝાઇન લાગશે. ઘડિયાળ એવા લાકડા થી તૈયાર કરવામાં આવી છે જે વેસ્ટેજ ભૂકામાંથી તૈયાર થઈ છે. જે લાકડાનો વેસ્ટેજ ભુકો હોય છે તેને રિસાયકલ કરીને અમે આ તૈયાર કરીએ છીએ. આજ લાકડાનો ઉપયોગ કરીને ઘડિયાળ બનાવવામાં આવી છે. તે એન્વાયરમેન્ટ માટે પણ ખૂબ જ સારું છે. આમાં 250 જેટલા પાર્ટ છે જેને અમે એક જ દિવસમાં બનાવી લઈએ છીએ.
આ ઘડિયાળની અન્ય ખાસિયતની વાત કરવામાં આવે તો ઘડિયાળ જોવામાં જેટલી સુંદર દેખાય છે તેને એસેમ્બલ કરવા માટે એટલી તો જટિલતા છે 10, 50 કે 100 નહી પરંતુ અઢીસો જેટલા પાર્ટસ લાગ્યા છે. એક એક કરીને જ્યારે અઢીસો જેટલા પાર્ટને જોડવામાં આવે છે, ત્યારે આ ઘડિયાળ તૈયાર થાય છે. એટલું જ નહીં આ ઘડિયાળ માત્ર સમય જ નથી બતાવતી આ ઘડિયાળ તમને મહિના અને વર્ષની પણ જાણકારી આપે છે. આ ઘડિયાળ જોઈને કોઈ પણ વિચારી શકશે નહીં કે માત્ર ધોરણ નવ સુધી ભણનારા એક વ્યક્તિ દ્વારા આ જટિલ ઘડિયાળ ખૂબ જ સુંદર તરીકે બનાવવામાં આવી છે.