સુરતના રાંદેર ઝોનમાંથી નકલી ઘી નું કારખાનું ઝડપાયું : 225 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
- સુરતમાં નકલી પનીર બાદ બનાવટી ઘી નો જથ્થો ઝડપાયો
- ડાલ્ડા ઘી માં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી ઘી બનાવી શહેરના અલગ અલગ ડેરીમાં ચોખ્ખા ઘી ના નામે વેચાણ થતું હતું : તમામ ઘી ના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીનો લોગો લગાવાયા હતા
સુરત,તા.21 માર્ચ 2024,ગુરૂવાર
સુરતમાં ગઈકાલે બનાવટી પનીર પકડાયાના બીજા દિવસે સુરત પાલિકાના રાંદેર ઝોનમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પાલિકાના રાંદેર ઝોનના ગોગા ચોક વિસ્તારમાંથી ડાલ્ડા ઘીમાં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી ઘી બનાવામાં આવતું હતું. પાલિકા આવા શંકાસ્પદ 225 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો અને રાંદેર પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે ફરિયાદ નોંધાવવા ચક્રો ગતિમાન કર્યા છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ થી બનાવટી પનીર સુરતમાં ઘુસાડીને શહેરના રેસ્ટોરન્ટ હોટલમાં સપ્લાય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાતા તંત્ર પણ ચોંકી ઉઠયું હતું.
રાંદેર ઝોનમાં ગોગા ચોક વિસ્તારમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી પાલિકાને મળી હતી. આ વ્યક્તિ દ્વારા વનસ્પતિ ઘી તથા રાગ વનસ્પતિ ઘી તથા જેમીની સોયાબીન તેલ તથા હળદર તથા સુગંધી ફ્લેવર્ડનું ભેળસેળ કરી શુદ્ધ ઘી ના નામે બનાવટી ઘી બનાવવામાં આવ્યું હતું. આ જથ્થો તૈયાર કરીને શહેરના જુદા જુદા વિસ્તારની ડેરીમાં વેચાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત તમામ ધીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાવવામાં આવતા હતા.
પાલિકાના આરોગ્ય વિભાગે 225 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપીને પરીક્ષા માટે લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. આ ઉપરાંત સ્થળ પરથી લના પીપ તથા પ્લાસ્ટીકના પીપ અને ટબમાં રહેલ છુટક ઘીના નમુના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા માટે કવાયત શરૂ કરી છે.
પોલીસ સ્ટેશનમાં આરોપીએ ગણતરીની મિનિટમાં બનાવટી ઘી બનાવી દીધું
સુરત પાલિકાના રાંદેર ઝોને ગોગા ચોક વિસ્તારમાંથી બનાવટી ઘીનું કારખાનું ઝડપી પાડ્યા બાદ રાંદેર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે તેને પોલીસ અટકાયત કરી હતી. આ આરોપીએ ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનમાં જ બનાવટી ઘી કઈ રીતે બને છે તેનો ડેમો બતાવીને બનાવટી ઘી બનાવી દીધું હતું.
સુરત પાલિકાના દરોડા દરમિયાન બનાવટી ઘી બનાવવાની સામગ્રી સાથે સાથે રાજેશ પટેલ નામના વ્યક્તિ મળી આવ્યો હતો. પાલિકાએ જાણવા જોગ કરેલી ફરિયાદ બાદ આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતા. જ્યાં આરોપીએ બનાવટી ઘી કઈ રીતે બને છે તેનો ડેમો આપીને ગણતરીની મિનિટોમાં બનાવટી ઘી બનાવીને બતાવી દીધું હતું.
પોલીસ સ્ટેશનમાં જ બનાવટી ઘી બનાવવાની સામગ્રી પોલીસની સામે ટેબલ પર મુકવામા આવી હતી. જ્યાં આરોપીએ પહેલા એક બાઉલમાં સોયાબિન તેલ લીધું હતું. તેને મિક્સ કરી દીધું હતું. તેની અંદર થોડી હળદર નાખી હતી. તેમાં એસેન્સ નાંખ્યા બાદ પામ ઓઈલ નાખવામાં આવ્યું હતું. તેનું મિશ્રણ કરીને ઘી બનાવી દીધું હતું. ગણતરીની મીનીટોમાં વિવિધ વસ્તુનો ઉપયોગ કરીને બનાવટી ઘી બનતું જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.