સુરત મ્યુનિ.પાલિકાની નબળી કામગીરીથી આવાસના લાભાર્થીઓની દિવાળી બગડી

Updated: Nov 1st, 2021


Google NewsGoogle News
સુરત મ્યુનિ.પાલિકાની નબળી કામગીરીથી આવાસના લાભાર્થીઓની દિવાળી બગડી 1 - image


- વેસુના સુમન મલ્હાર આવાસના લાભાર્થીઓને દિવાળી પછી જ કબ્જો મળશે

- મેયરની ઝાટકણી બાદ એક દિવસ કામગીરી થઈ હવે કામ બંધ ગંદકીના ઢગલાના કારણે લાભાર્થીઓની મુશ્કેલી વધી

સુરત,તા.1 નવેમ્બર 2021,સોમવાર 

સુરત મ્યુનિ.ના અધિકારીઓની નબળાઈના કારણે પાલિાકાના આવાસના લાભાર્થીઓની દિવાળી બગડી ગઈ છે. બાકી કામગીરી પુરી કરવા માટે મેયરના આદેશ બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા એક દિવસ દેખાવ પુરતી કામગીરી કરી હતી. હવે કામગીરી અટકાવી દેતાં લાભાર્થીઓને દિવાળી પહેલાં કબ્જો ન મળે તે સ્પષ્ટ થઈ ગયું છે.  જેના કારણે પાલિકા પાસે ન્યાય માંગવા આવેલા લાભાર્થીઓ નિરાશ થઈ ઘયાં છે.

સુરત મ્યુનિ.પાલિકાની નબળી કામગીરીથી આવાસના લાભાર્થીઓની દિવાળી બગડી 2 - image

સુરત મ્યુનિ.ના અઠવા ઝોનમાં વેસુ વિસ્તારમાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આવાસનું ખાત મુર્હૂત કર્યું હતું ત્યાર બાદ ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયાં છે પરંતુ હજી સુધી લાભાર્થીઓને કબ્જો મળ્યો નથી. લાભાર્થીઓને કબ્જો ન મળવા પાછળ કોન્ટ્રાક્ટર કટીરા કંસ્ટ્રક્શન અને પાલિકાના સ્લમ વિભાગના મહિલા અધિકારી જવાબદાર છે. અસરગ્રસ્તોને આવાસ નહીં મળતાં તેઓએ મેયરને ફરિયાદ કરી હતી. ત્યારે મહિલા અધિકારીએ કોન્ટ્રાક્ટરને છાવર્યા હતા. ત્યાર બાદ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી ત્યાં ધન તેરસ પહેલાં અસરગ્રસ્તો કુંભ ઘડો મુકી શકે તેવી રીતે કામગીરી કરવા માટે તાકીદ કરી હતી. ત્યર બાદ બીજા દિવસે એક સાથે 60 વ્યક્તિનો સ્ટાફ મુકીને કામગીરી પણ શરૂ કરાવી દીધી હતી પરંતુ બીજા દિવસે કામગીરી માટે એકલ દોકલ વ્યક્તિ જ મુકવમામાં આવ્યા હતા. જેના કારણે આજે પણ સુમન આવાસની સફાઈ થઈ શકી નથી અને તેઓ દિવાળી પહેલાં કુંભ ઘડો મુકી શકે તેમ નથી. આવી સ્થિતિના કારણે લોકો નિરાશ થઈ ગયાં છે પરંતુ પાલિકાના સ્લમ વિભાગ દ્વારા કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી.

પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે નરમ વલણ અપનાવતાં આવાસના લાભાર્થીઓની દિવાળી બગડી ગઈ છે. સેંકડો લોકોની હાલત કફોડી થઈ ગઈ હોવાથી લોકોમાં શાસકો પ્રત્યે ભારે રોષ ફેલાઈ રહ્યો છે.



Google NewsGoogle News